ગુજરાતમાં 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે... અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની જાહેરાત થયા પછી વિરોધનો સામનો જાણે ભારતીય જનતા પાર્ટીને કરવો પડી રહ્યો છે. બે બેઠકો પર ભાજપે ઉમેદવારને બદલ્યા છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે, તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહી છે... ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ પરષોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે અને આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ક્ષત્રિય નેતાઓને દિલ્હીથી તેડું આવ્યું છે.. કોને કોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે તે નામ નથી સામે આવ્યા પરંતુ આ માહિતી હાલ સામે આવી રહી છે...
ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડીખમ!
છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા પરષોત્તમ રૂપાલા ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે.. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.. ગુજરાતમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો. પરષોત્તમ રૂપાલાએ અનેક વખત ક્ષત્રિય સમાજની માફી માગી, તે ઉપરાંત સી.આર.પાટીલે પણ માફી બે હાથ જોડી માફી માગી હતી. વિવાદને શાંત કરવા બેઠકનું આયોજન પણ થયું આ વિવાદ શાંત થવાને બદલે દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે તેવું લાગે છે... ગઈકાલે મોટા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્રિત થયા હતા..
ભાજપના નેતાઓએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે કરી હતી બેઠક
આ વિવાદ શાંત થાય તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા.ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન ભાજપ દ્વારા કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના નેતાઓએ મીટિંગ કરી હતી. એ વખતે એવું લાગતું હતું કે આ બેઠક બાદ વિવાદનો અંત કદાચ આવી શકે છે પરંતુ આ વિવાદ શાંત ના થયો. ગઈકાલે ક્ષત્રિય સમાજ દ્વારા એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. તે વખતે પણ ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ હતા. એવી માહિતી સામે આવી હતી કે ગઈકાલે પણ આ વિવાદને લઈ ભાજપના નેતાઓ વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ક્ષત્રિય નેતાઓને આવ્યું દિલ્હીથી તેડું?
ગાંધીનગરમાં થયેલી મેરેથોન બેઠક બાદ દિલ્હીમાં પણ આ અંગે મીટિંગ થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે... મળતી માહિતી અનુસાર ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડુ આવ્યું છે. કોને કોને બોલાવવામાં આવ્યા છે તેની માહિતી હજી સુધી સામે નથી આવી પરંતુ એટલી માહિતી સામે આવી છે કે ભાજપના ક્ષત્રિય નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે...ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ક્ષત્રિય નેતાઓ સાથે સામાજીક આગેવાનો પણ દિલ્હી જઈ શકે છે. આ માત્ર હાલ એક અનુમાન છે..!
દિલ્હીમાં આ વિવાદ અંગે થશે ચર્ચા?
ગાંધીનગરમાં મેરેથોન બેઠકો બાદ દિલ્હીમાં બેઠકો કરવામાં આવશે અને આ વિવાદને શાંત કરવા માટે વિચારણા કરવામાં આવશે તેવી સંભાવનાઓ છે. ગાંધીનગરમાં પણ ગઈકાલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, આઈ.કે જાડેજા સહિતના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી તેવી માહિતી સામે આવી હતી. ત્યારે આજે ભાજપના ક્ષત્રિય નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. કોને કોને બોલાવામાં આવ્યા છે તે સસ્પેન્સ છે... આ અંગે જે પણ અપડેટ સામે આવશે તે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું...