થોડાક જ મહિનાઓમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 26 બેઠકો પર કમળ ખીલે માટે ભાજપે હમણાંથી જ કમર કસી લીધી હોય તેવું લાગે છે. ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને ગાંધીનગરમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.
મિશન 2024ને લઈ ભાજપે શરૂ કરી તૈયારી
ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક બેઠકનું આયોજન કરાયું છે. ભાજપે લોકસાભની રણનીતિ અત્યારથી ધડવાનું શરૂ કરી દીધું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢવિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી છે. ગુજરાતમાં પણ ભાજપે લોકસભા ચૂંટણીમાં તમામે તમામ 26 બેઠકો જીતવા માટે કમર કસી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે તો વારંવાર હુંકાર કર્યો હતો કે તમામ સીટો પાંચ લાખના માર્જિનથી જીતવાની છે. હવે ગુજરાત ભાજપે મિશન 2024ને લઈ ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ હજાર રહેશે.
400ને પાર બેઠકો ભાજપને મળે તેવો લક્ષ્યાંક
12 ડિસેમ્બર એટલે કે આજે ગુજરાતમાં સરકારને એક વર્ષ પૂર્ણ થવાનું છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક સાથે ભાજપની જીત થઈ હતી. તેનાથી જ લોકસભાનો રોડ મેપ મજબૂત થતો હોવાનું જોવા મળ્યું હતું. એવુ કહેવામાં આવે છે કે ભાજપ માટે જે પણ હિંદી બેલ્ટ છે, ત્યાં જેટલી બેઠક વધારે હોય છે, તેટલો જ ફાયદો ભાજપને લોકસભામાં થતો હોય છે.આ વખતે લોકસભામાં 400 પારનો ભાજપનો લક્ષ્યાંક છે.
સાંસદો તેમજ ધારાસભ્યને હાજર રહેવા આદેશ!
આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની ચર્ચાઓ થઈ શકે છે. આ ઉપરાંત પેજ સમિતિના કામ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. પેજ સમિતિ કે જેના દ્વારા ગુજરાતમાં 156 બેઠક આવી હતી, તેને વધુ મજબૂત કરવામાં આવશે. દિવાળી પછીની આ પહેલી બેઠક યોજાવાની છે જેમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, તમામ જિલ્લાના પ્રદેશ પ્રમુખ હાજર રહેવાના છે. દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે લોકસભાની તૈયારી આદરી છે. ગુજરાત ભાજપે મિશન 2024ને લઈ ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે. હવે જોવાનું એ રહ્યું કે પાટિલ ભાઉની તૈયારીઓ આ લોકસભાની ચૂંટણીમાં કેવા રંગ લાવે છે?