ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. ત્યારે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે પરંતુ ગુજરાત માટે હજી સુધી તારીખ જાહેર કરવામાં નથી આવી. જેને કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરે તે પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, કે કૈલાસનાથ, રત્નાકરને દિલ્હી બોલાવી લેવામાં આવ્યા હતા.
5 કલાક સુધી ચાલી બેઠક
ગુજરાતમાં ભલે ચૂંટણી યોજાવાની છે પરંતુ રાજકારણ દિલ્હીનું ગરમાયું છે. ગુજરાતના રાજનીતિની ચર્ચા દિલ્હીમાં થઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, કે કૈલાસનાથ, રત્નાકરને અચાનક દિલ્હી બોલાવામાં આવતા અનેક સંભાવનાઓ દેખાઈ રહી છે. ગુજરાત ચૂંટણીને લઈ આ નેતાઓની સાથે અંદાજીત 5 કલાક સુધી બેઠક કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે.પી.નડ્ડા હાજર રહ્યા હતા.
પ્રચાર કરવાની સ્ટાઈલમાં ભાજપ લાવી શકે છે ચેન્જ
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ રહ્યા છે. જાતિવાદ તેમજ ધર્મનો સહારો લઈ તમામ રાજકીય પાર્ટી રાજનીતિ કરી રહી છે. ત્યારે ચૂંટણી લક્ષી મુદ્દાઓ પર રાજનીતિ થાય તે માટે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોઈ શકે છે. ઉપરાંત કયા ઉમેદવારોને ટિકિટ આપવી, ભાજપમાં ચાલતા આંતરિક જૂથવાદ પર પણ ધ્યાન આપવામાં આવ્યું હોઈ શકે છે. બેઠક બાદ ભાજપ પોતાના પ્રચાર કરવાની સ્ટાઈલમાં પરિવર્તન પણ લાવી શકે છે.
ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં આવી રહ્યા છે. પોતાના ભાષણ દરમિયાન પીએમ વિકાસના કામોને ગણાવતા હોય છે. ત્યારે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમની મુલાકાત પહેલા જ ભાજપ પોતાની રણનીતિ બદલી શકે છે તેવું લાગી રહ્યું છે. ભાજપ જે રણનીતિથી આગળ વધી રહી છે તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીમાં થયેલી બેઠક બાદ પ્રચારમાં પણ ફેરફાર આવી શકે છે.
દિલ્હીથી મળેલા આદેશોનું થશે અમલીકરણ
દિલ્હીના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી, સી.આર.પાટીલ, રત્નાકર અને કેકે મોડી રાત્રે ગુજરાત આવ્યા હતા. ત્યારે મંગળવારે કેબિનેટ બેઠક મળવાની છે. ત્યારે દિલ્હીમાં મળેલી સૂચનાનું અમલીકરણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આદેશોની સીધી અસર હવે ગુજરાતના પ્રચારમાં દેખાઈ શકે છે.