ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાઈ હતી.. ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ખાલી પડેલી બેઠકો માટે મતદાન થયું અને ચોથી જૂને પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. પાંચેય પાંચ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે.. મળતી માહિતી અનુસાર આવતી કાલે પાંચેય જીતેલા ઉમેદવાર ધારાસભ્ય પદની શપથ લઈ શકે છે.. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમને શપથ લેવડાવશે..
ગુજરાતમાં ચાલ્યો હતો રાજીનામાનો દોર
2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અદ્ભૂત પ્રદર્શન કર્યું.. 182માંથી 156 સીટો પર કેસરિયો લહેરાયો.. એવું લાગતું હતુંકે ભારતીય જનતા પાર્ટી 156 સીટો મેળવ્યા બાદ સંતોષ માની લેશે પરંતુ તેવું થયું નહી..! થોડા સમય પહેલા ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો દોર ચાલ્યો.. એક બાદ એક 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા..
ધારાસભ્યોએ આપી દીધું હતું પોતાના પદ ઉપરથી રાજીનામું
ધારાસભ્યનું પદ ખાલી થતાં ત્યાં પેટા ચૂંટણી યોજાઈ લોકસભાની ચૂંટણીની સાથે સાથે.. ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ.. અને આ પાંચેય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ.. મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું.
આ ઉમેદવારોની થઈ પેટા ચૂંટણીમાં જીત
વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ.. ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલની જીત થઈ.. વિજાપુર બેઠક પરથી સી.જે.ચાવડા જીત્યા જ્યારે પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ બાજી મારી.. માણાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત થઈ છે.. જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું તેમને જ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ટિકીટ આપી હતી.. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આવતી કાલે ધારાસભ્યો શપથ લઈ શકે છે.. મહત્વનું છે કે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સંખ્યા બળ 161 થઈ જશે..