ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. એક બાદ એક નેતાઓ પોતાની પાર્ટીને અલવિદા કહી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર આજે વિધિવત્ત રીતે ભાજપના થઈ ગયા છે. સી.આર.પાટીલની હાજરીમાં બંને નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. ગઈકાલ સવારે અંબરીશ ડેરે રાજીનામું આપ્યું અને ગઈકાલ સાંજે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું. આજે ગાંધીનગર કમલમ ખાતે વેલકમ પાર્ટી યોજાઈ હતી જેમાં બંને પૂર્વ ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો છે. પૂર્વ ધારાસભ્યોની સાથે અનેક કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ભાગ બની ગયા છે.
ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ આપી પ્રતિક્રિયા
મહત્વનું છે કે જ્યારે નેતા પક્ષપલટો નથી કરતા તે વખતે ભાજપની નીતિ ખરાબ લાગે છે. પરંતુ જ્યારે ભાજપનો ખેસ પહેરે છે કે તરત જ તેમના બોલ બદલાઈ જાય છે. ઘણી વખત એવો પ્રશ્ન પણ થાય કે ભાજપમાં ખેસમાં એવો તો કેવો જાદુ છે કે બધુ સારૂં જ સારૂં લાગે છે! ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ‘હું કોંગ્રેસ સાથે 40 વર્ષથી જોડાયેલો હતો અન કપરા સમયમાં પણ તેમનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે સામાજીક બદલાવ માટે કામ કરીશું. કોંગ્રેસમાં બદલાવ હવે શક્ય નથી. પોરબંદર માટે મારે સારું કામ કરવું છે તેથી હું ભાજપમાં જોડાયો છું. કોઇ લાલચ માટે નહીં પરંતુ બદલાવ નજર સામે આવે છે. ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલીએ આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ જોડાયો છુ.’