લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે તે પહેલા આ અઠવાડિયાની અંદર ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી શકે છે. પહેલું લિસ્ટ હશે જેની અંદર ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. આ એવી બેઠકો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીની જીત નથી થઈ. ગુજરાતના ઉમેદવારોના નામની વાત કરીએ તો માત્ર ત્રણથી ચાર ઉમેદવારો એવા છે જે રિપીટ થઈ શકે છે. બાકી અનેક ઉમેદવારો એવા છે જેમની ટિકિટ કપાઈ શકે છે.
ગુજરાતની જનતા ઉમેદવારને જોઈને નહીં પરંતુ પાર્ટી જોઈને આપે છે વોટ
જે યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર કરવાની છે તે યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત નહીં હોય કારણ કે ગુજરાતની જનતાને ફરક નથી પડતો કે ઉમેદવાર કોણ છે? ગુજરાતની જનતા પાર્ટીને જોઈને વોટ આપે છે ના તો ઉમેદવારને જોઈને. જેને કારણે ભાજપને ગુજરાત માટે વધારે ટેન્શન નથી. પરંતુ દરેક રાજ્ય ગુજરાત નથી, દરેક રાજ્યની જનતા ગુજરાતની નથી. આજે વાત ગુજરાતના સાંસદોની કરીએ કે જેમના માટે ચર્ચા થઈ રહી છે કે તેમના પત્તા કપાઈ જશે. અહીંયા આપેલી જાણકારી સ્થાનિક પત્રકાર, મીડિયા જગતમાં ચાલી રહેલી ચર્ચાઓના આધાર પરથી કરવામાં આવી રહી છે.
કચ્છની બેઠક પર નવા ચહેરાને મળી શકે છે તક
શરૂઆત કચ્છની બેઠક પરથી કરીએ વિનોદ ચાવડાની બદલીમાં નવા ચહેરાને ભાજપ મોકો આપી શકે છે.આરએસએસ સાથે સંકળાયેલા ચહેરાઓ પણ અનેક એવા છે જે સાંસદ બનવા ઈચ્છુક છે. કચ્છનું ચિત્ર એટલું બધુ સ્પષ્ટ નથી. નિષ્ણાંતો માને છે કે ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાને તક આપવામાં માને છે એટલે કાં તો કચ્છની બેઠક પરથી અથવા તો અમદાવાદ પશ્ચિમની બેઠક પરથી નવા ચહેરાને તક મળી શકે છે. કાં તો ડોક્ટર કિરીટ સોલંકીની અથવા તો વિનોદ ચાવડાનું પત્તુ કપાઈ શકે છે.
ગાંધીનગરના ઉમેદવાર ફાઈનલ!
બનાસકાંઠાના સાંસદ પરતભાઈ પટેલની રિપીટ થવાની સંભાવના નહીંવત દેખાઈ રહી છે. પાટણ બેઠકની વાત કરીએ તો ભરતસિંહ ડાભીનું પણ પત્તું કપાઈ શકે છે તેવી સંભાવનાઓ છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલને પણ રિપીટ નહીં કરવામાં આવે તેવું લાગે છે. તે પોતે પણ ચૂંટણી લડવા માટે ઈચ્છા નથી ધરાવી રહ્યા તેવું લાગી રહ્યું છે એટલે ત્યાં પણ નવો ચહેરો આવી શકે છે. સાબરકાંઠામાં પણ નવો ચહેરો આવી શકે છે તેવી પૂરે પૂરી સંભાવનાઓ છે. ગુજરાતની એકમાત્ર બેઠક એવી છે જેના ઉમેદવાર નક્કી છે. એ બેઠક છે ગાંધીનગરની બેઠક જ્યાંથી અમિત શાહ સાંસદ છે.
પોરબંદરની સીટને લઈ છે અસમંજસ
અમદાવાદ પૂર્વમાં તો અનેક વખત ભાજપે નવા ચહેરાને ઉતાર્યા છે. પરેશ રાવલનો ચહેરો અમદાવાદ પૂર્વના લોકોએ બહુ બધી વાર જોયો હશે, બાયઈલેક્શન પછી હસમુખ પટેલનો ચહેરો પણ જોયો છે. ત્યારે ફરીથી આ સીટ પર નવો ચહેરો જોવા મળી શકે છે. અમદાવાદ પશ્ચિમમાં પણ નવો ચહેરો ભાજપ ઉતારી શકે છે. ગ્રાઉન્ડ પર સાંસદ રહે છે પણ છતાંય તેમના નામ પર કાતર ફેરવાઈ શકે છે. સુરેન્દ્રનગરમાં પણ નવો ચહેરો આવી શકે છે તો રાજકોટમાં પણ નવા ચહેરાને ચાન્સ આપવામાં આવી શકે છે. પોરબંદરમાં નવા ચહેરાને ચાન્સ અપાશે કે રમેશ ધધૂકને રિપીટ કરવામાં આવશે તેને લઈ અસમંજસ છે. કારણ કે રમેશ ધધૂક એક તો ઉદ્યોગપતિ છે ઉપરાંત ગ્રાઉન્ડના નેતા મનાય છે. જમીન પર જવા વાળા સાંસદ છે.
આ બેઠક માટે મનસુખ માંડવિયાના નામની થઈ શકે છે જાહેરાત
જામનગરમાં પૂનમબેન માડમનું નામ કપાય એવું મોટા ભાગે માનવામાં નથી આવી રહ્યું. રાજેશ ચૂડાસમાની બદલી પર જૂનાગઢની બેઠક માટે નવા નામની જાહેરાત થઈ શકે છે તેવી સંભાવનાઓ છે. અમરેલીમાં પણ નવા ચહેરાને તક આપવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. નારણ કાછડીયાને પણ રિપીટ નહીં કરવામાં આવે. ભારતી શિયાળની જગ્યા પર મનસુખ માંડવિયાને લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. મિતેશ પટેલની જગ્યા પર આણંદમાં નવા ચહેરાને તક મળી શકે છે. દેવુસિંહ ચૌહાણ હાલ ખેડાના સાંસદ છે. ખેડામાં પણ નવા ચહેરાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવી શકે છે. એક તર્ક પણ એવો પણ છે કે તેમને રિપીટ કરવામાં આવી શકે છે. કારણ કે તે મંત્રી પણ રહી ચૂક્યા છે. ખેડાની સીટ અસમંજસમાં છે.
રંજનબેન ભટ્ટ આવ્યા હતા વિવાદમાં!
પંચમહાલમાં રતનસિંહ રાઠોડની રિપીટ થવાની સંભાવનાઓ પણ નથી. દાહોદના જશવંતસિંહની બદલીમાં નવા ચહેરાને રિપીટ કરવામાં આવી શકે છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને બે ટર્મ મળી ગઈ છે. રંજનબેનને ટિકીટ મળશે કે નહીં તે અસમંજસ છે. ભાજપ મીડિયામાં આવતા રિપોર્ટના આધાર પર નિર્ણય નથી લેતું. બીજેપીના પોતાનું કેલ્ક્યુલેશન પણ છે.
આ બે સીટો પર ઉમેદવાર લગભગ ફાઈનલ!
છોટાઉદેપુરના ગીતાબેન રાવઠાને રિપીટ કરવાની સંભાવના દેખાઈ રહી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાની રિપીટ થવાની સંભાવનાઓ પણ ઓછી છે કારણ કે છેલ્લા 7 ટર્મથી સાંસદ છે. બારડોલી બેઠક માટે પણ નવા ચહેરાની જાહેરાત કરવામાં આવી શકે છે. દર્શનાબેન જર્દોશને રિપીટ કરવામાં આવશે કે કેમ તે અસમંજસ છે. નવસારીથી સી.આર.પાટીલ ચૂંટણી લડશે તેવી સંભાવનાઓ હાલ પ્રબળ છે. કે.સી.પટેલની પણ રિપીટ થવાની સંભાવનાઓ ઓછી છે.