ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જ્યારે 182 બેઠક જીતવાનો હુંકાર કર્યો છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં ધમાસાણ ચાલી રહી છે. સૌરાષ્ટ્રના નેતાઓને સામસામે એટલા વાંધા છે કે આંગળીના વેઢા ઓછા પડી જશે. બોટાદમાં કોળી ચિંતન શીબીર મળી હતી જેમાં બોટાદ વિધાનસભા મામલે ચર્ચા કરવામાં આવી હતી.
સૌરભ પટેલની ચિંતામાં વધારો
કોળી સમાજની ચિંતન શીબીર બેઠકમાં બોટાદ વિધાનસભા માટે સ્થાનિક ધારાસભ્યની માગણી કરવામાં આવી હતી. ભાજપના સ્થાનિક આગેવાન છનાભાઈ ખેરાડિયાએ બેઠકમાં પોતાની વાત સામે રાખી હતી કે બોટાદને સ્થાનિક ધારાસભ્ય મળે જેથી લોકો તેમની તકલીફો ધારાસભ્યને જણાવી શકે. સૌરભભાઈ તો અમારા ક્ષેત્રમાં રહેતા નથી તેમને પકડવા માટે અમારે ફાંફા મારવા પડે છે. અમેં અમારી તકલીફો કોને કહીએ.
છનાભાઈ એક સમયે સૌરભ પટેલના ખાસ હતા
ભાજપના પ્રદેશ આગેવાન છનાભાઈ ખેરાડિયા એટલે એક સમયના સૌરભ પટેલના ખાસ માણસ. સૌરભ પટેલ સાથે ખભેથી ખભો મેળાવીને કામગીરી કરતા હતા. હાલ છનાભાઈએ બેઠકમાં વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સૌરભ પટેલનો સ્થાનિકોમાં ખૂબ વિરોધ છે. પટેલ સમાજ, કોળી સમાજ સહિત તમામ સમાજમાં સૌરભભાઈનો વિરોધ છે.
છેલ્લા દસ વર્ષથી સૌરભભાઈએ કાંય કામ નથી કર્યું: સ્થાનિક
છનાભાઈ ખરાડિયાએ ભાજપ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા ધારાસભ્ય સૌરભભાઈ પટેલે ધારાસભ્ય પદે કોઈ કામ નથી કર્યું. બેઠકમાં ઉપસ્થિત સ્થાનિક લોકોએ સ્થાનિક આગેવાનની માગ કરી સૌરભ પટેલ સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારો ધારાસભ્ય હશે તો અમારી વચ્ચે રહેશે. અમારા પ્રશ્નો તેના પ્રશ્નો હશે અને તે અમને સાંભળશે પણ ખરા. આટલા વર્ષોથી સૌરભભાઈ છે પણ એ અમને મળતા જ નથી. બહાર જ હોય છે.