ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. મતદારોને રિઝવવા તેમજ આકર્ષવા ભાજપ અનેક પ્રયાસ કરી રહી છે. ભાજપ પ્રચાર માટે એકદમ પ્રખ્યાત છે. પોતાના પ્રચાર માટે ભાજપ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. આ વખતે પણ વિધાનસભા ચૂંટણી પાછળ ભાજપ કરોડો રૂપિયા ખર્ચી રહ્યું છે. ગૌરવ યાત્રાની સાથે સાથે ભાજપે LED રથની પણ શરૂઆત કરી છે ત્યારે ગામડાના લોકો સુધી તેમજ ખેડૂતો સુધી પોતાના કાર્યોને પહોંચાડવા ભાજપે નમો કિસાન પંચાયત ઈલેક્ટ્રિક બાઈકની શરૂઆત કરી છે. જેમાં ઈલેક્ટ્રિક બાઈકને ભગવા રંગમાં રંગી દેવામાં આવી છે ઉપરાંત વડાપ્રધાન મોદીનો ફોટો તેમજ LED સ્ક્રીન લગાડવામાં આવી છે. આ પ્રચારના માધ્યમથી ખેડૂતો સુધી સરકારે કરેલા કામો અને વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવશે.
LED રથ બાદ ઈલેક્ટ્રિક બાઈકની કરી શરૂઆત
ગામડાઓના લોકો સુધી પહોંચવા ભાજપ પ્રયાસ કરી રહી છે. પ્રચાર કરવા માટે એક પણ જગ્યા અને એક પણ મોકો ભાજપ બાકી રાખવા નથી માગતું. આને ધ્યાનમાં રાખી ભાજપે નમો કિશાન પંચાતય ઈલેક્ટ્રિક બાઈકની શરૂઆત કરી છે. જેમાં બાઈક પર ભગવા રંગના કમળ તેમજ નરેન્દ્ર મોદીના ફોટા સાથે તૈયાર કરવામાં આવી છે. ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ઇલેક્ટ્રિક બાઇક ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનો પ્રચાર કરશે . આનો વિશેષ ઉપયોગ ખેડૂતોને રીઝવવા માટે કરવામાં આવી રહ્યો છે. બાઇકમાં LED સ્ક્રીન લગાડી છે, જેમાં સરકારની વિવિધ યોજનાઓની શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી રહી છે.
ખેડૂતોને રીઝવવાનો કરાશે પ્રયાસ
ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઈ-બાઈક રાજ્યના 33 જિલ્લાઓમાં ફરશે. આ બાઈક પર પાછળના ભાગમાં LED લગાડવામા આવી છે જેમાં ભાજપ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને વિકાસના કામો બતાવવામાં આવશે. વિવિધ સરકારી યોજનાઓ તેમજ ડબલ એન્જીનની સરકાર દ્વારા કરવામાં આવેલા કામો વિશે લોકોને અને તેમાં પણ મુખ્યત્વે ખેડૂતોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.