ભાજપના રાજ્યસભા સાંસદ નરેશ બંસલે શુક્રવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રાજ્યસભામાં કહ્યું હતું કે 'ઈન્ડિયા' નામ "ગુલામી"નું પ્રતીક છે અને "ઈન્ડિયા નામને બંધારણમાંથી કાઢી નાખવું જોઈએ." વિપક્ષના નવા મહાગઠબંધન 'India' (ભારતીય નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ) ની ઘોષણા કરી ત્યારથી જ ભાજપના નેતાઓ આ નામ સામે ટિપ્પણી કર્યા કરે છે. સાંસદ નરેશ બંસલના જણાવ્યા પ્રમાણે 'ઈન્ડિયા' નામ સંસ્થાનવાદી ભૂતકાળની યાદ અપાવે છે.
સાંસદ નરેશ બંસલે શું કહ્યું?
શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન બંસલે કહ્યું: "અંગ્રેજોએ ભારતનું નામ બદલીને ઈન્ડિયા રાખ્યું હતું. કલમ 1 હેઠળ, બંધારણ જણાવે છે: 'ઈન્ડિયા ધેટ ઈઝ ભારત'. આપણો દેશ હજારો વર્ષથી 'ભારત' નામથી ઓળખાય છે. ભારત જ તેનું સાચું નામ છે. વળી તે આ દેશનું પ્રાચીન નામ છે અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં જોવા મળે છે. 'ઈન્ડિયા' નામ બ્રિટિશ શાસકો દ્વારા આપવામાં આવ્યું હતું અને તેથી તે ગુલામીનું પ્રતીક છે. 'ઈન્ડિયા' નામ બંધારણમાંથી કાઢી નાખવું જોઈએ." સાંસદે નોંધ્યું હતું કે ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ઘોષણા કરી હતી કે સંસ્થાનવાદના તમામ પ્રતીકો ભૂંસી નાખવા જોઈએ. આપણે આની શરૂઆત કલમ 1 થી કરવી જોઈએ અને તેમાં લખેલું ઈન્ડિયા નામ કાઢી નાખીને તેને બદલે માત્ર ભારત રાખીને કરી શકીએ છિએ."
કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા
કોંગ્રેસના ઘણા નેતાઓએ, જો કે, એ બાબતનું ઝડપથી ધ્યાન દોર્યું હતું કે ભાજપ બ્રિટિશ શાસન સમયના વારસાને દૂર કરવા માટે મક્કમ દેખાતું હોવા છતાં, કેન્દ્રએ તેની મુખ્ય યોજનાઓ અને ચળવળો જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અને ન્યૂ ઇન્ડિયામાં ભારત નામનો સમાવેશ કરવાનું ચાલુ રાખવું પડશે.