વર્ષ 2023માં દેશમાં 8 રાજ્યો વિધાનસભાની અને 2024ની લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીઓનેને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પૂરી થયા બાદ કોંગ્રેસ હવે હાથ સે હાથ જોડો અભિયાન ચલાવી રહી છે. તો, ભાજપ બજેટની જાહેરાતોના વ્યાપક પ્રચાર માટે દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરશે.
ભાજપનો માસ્ટર પ્લાન
કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે થયેલી જાહેરાતોનો પ્રચાર દેશભરમાં કરવા માટે ભાજપ 24 ફેબ્રુઆરીથી દેશવ્યાપી અભિયાન શરૂ કરશે. વર્ષભર ચાલનારી ઝુંબેશમાં એક લાખ ગામડાઓમાં પદયાત્રા કરીને એક કરોડ ખેડૂતો સુધી પહોંચવાનું લક્ષ્ય છે. બીજેપી કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરે કહ્યું હતું કે 'બજેટમાં સરકારે ઓર્ગેનિક ખેતી અને શ્રીઅન્ન (મોટા અનાજ) પર ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બજેટની જાહેરાતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે 6થી 12 ફેબ્રુઆરી સુધી દેશભરમાં કિસાન ચૌપાલ યોજાશે.'
કાર્યકરોને ખાસ ટ્રેનિંગ
ખેડૂતલક્ષી જાહેરાતોનો પ્રયાર સોશિયલ મિડીયા પર પણ સારી રીતે થાય તે માટે ભાજપ તેના કાર્યકરોને ખાસ ટ્રેનિંગ પણ આપશે. 13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કિસાન મોરચા, સોશિયલ મીડિયા અને પ્રાકૃતિક ખેતી સંબંધિત ટીમની ટ્રેનિંગ આપવામાં આવશે. રાજ્યોમાં પણ ટ્રેનિંગ પૂરી થયા પછી એક લાખ ગામડાઓમાં જનજાગૃતિ યાત્રા કાઢવામાં આવશે. કિસાન સન્માન નિધિના ચાર વર્ષ પૂરા થવા પર 24 ફેબ્રુઆરીએ તમામ જિલ્લાઓમાં લાભાર્થીઓ સાથે સંવાદ અને સંપર્ક કરવામાં આવશે. નદીના કિનારે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી સાથે જોડવા માટે અભિયાન ચલાવવામાં આવશે.