ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી
છે તેમ તેમ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ
તેમજ આપે ચૂંટણી પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કોંગ્રસે પણ ચૂંટણી
પ્રચાર શરૂ કરી દીધો. આ બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 2 દિવસ માટે
ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે.પી નડ્ડા બાદ વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ પણ
ગુજરાતના પ્રવાસે આવવાના છે.
અનેક કાર્યક્રમોમાં જે.પી.નડ્ડા રહેશે ઉપસ્થિત
2022ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની
છે. ઈલેક્શનને ઘણો ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે પોતાના મતદારોને રિઝવવા દરેક
પાર્ટી પ્રયાસ કરી રહી છે. એક બાદ એક અનેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પ્રવાસ
કરી માહોલ બનાવી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ
ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 20 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાનારા વિરાંજલિ
કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ઉપરાંત ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા યોજાનાર નમો
કિસાન પંચાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 21 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય
કમલમ ખાતે પ્રદેશ મોરચાના પ્રમુખો સાથે બેઠક કરવાના છે. ઉપરાંત પ્રોફેસર સમિટ અને
મેયર સમિટના સમાપન સત્રમાં પણ ઉપસ્થિત રહેવાના છે. તેમજ તેમના પ્રવાસ દરમિયાન ભવ્ય રોડ-શોનું પણ આયોજન
કરવામાં આવ્યું છે.આ રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સી.આર.પાટીલ તેમજ ભાજપના
આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.