રાજ્યમાં ભાજપની સરકાર છે જો કે ભાજપના જ નેતાઓ સરકારની કામગીરીને લઈ સવાલો કરી રહ્યા છે. ગઈ કાલે ભાજપના અમરેલીના નેતા ડો. ભરત કાનાબારે રેતી ચોરીનો ભાંડો ફોડતી ટ્વીટ કરી હતી. આજે અન્ય એક અગ્રણી ભાજપ નેતાએ રાજ્ય સરકારના કામને લઈ અસંતોષ વ્યક્ત કર્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા મનસુખ વસાવાએ આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકોની દયનીય સ્થિતીને લઈ પ્રશ્નો ઉઠાવ્યા છે.
મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કર્યો
ભાજપ સાંસદ મનસુખ વસાવા નર્મદા અને ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક પ્રવૃતિ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની માધ્યમિક શાળામાં સ્લેબનો પોપડો તુટી પડતાં 8 થી વધુ વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ હતી. મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળનો ઉધડો લીધો હતો અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે આદિવાસી બાળકો દયનીય હાલતમાં છે.
વસાવાએ વિદ્યાર્થિનીઓની મુલાકાત લીધી
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની માધ્યમિક શાળામાં સ્લેબનો પોપડો તુટી પડતાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઘાયલ થઈ હતી.ભાજપ સાંસદ મનસુખ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ ઘટનાસ્થળની અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મનસુખ વસાવાએ ધારાસભ્ય અને સ્થાનિક નેતા પર સવાલો કર્યા છે.
સાંસદ મનસુખ વસાવાએ શું કહ્યું?
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આદિવાસી બાળકો દયનીય હાલતમાં છે. ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ હોય કે ગુજરાતની કોઈ પણ ગ્રાન્ટેડ શાળાઓ, છાત્રાલયો કે હાઇસ્કુલ હોય જો એમા અપુરતી સુવિધા હોય અથવા બિલ્ડિંગ જર્જરિત હોય તો સરકારે એ સંસ્થા પોતાની હસ્તક લઈ લેવી જોઈએ.જર્જરિત શાળા, છાત્રાલયો અને સ્કૂલો સારી બને એ જરૂરી છે. શહેરી વિસ્તારની સ્કૂલો અદ્યતન સુવિધા વાળી છે જ્યારે આદિવાસી વિસ્તારની સ્કૂલો, છાત્રાલયો અપુરતી સુવિધા વાળી છે જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં જર્જરિત શાળાઓ કે છાત્રાલયોમાં સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્થાનિક ધારાસભ્ય, આગેવાનો અને સંચાલકોની છે. ગુજરાત સરકાર સંસ્થાઓને ખુબ ગ્રાન્ટ આપે છે, એટલે સંચાલકોની ફરજ છે કે વિદ્યાર્થીઓને સારી સુવિધા આપે સારુ ભણતર પણ આપે એ તેમની જવાબદારી છે. ગુજરાત સરકાર ટીમ બનાવી સ્કવોડ દ્વારા વિઝિટ કરાવે અને જે છાત્રાલયો, હોસ્ટેલો અને સ્કૂલ બિલ્ડિંગોમાં ક્ષતિ જણાય તો એ સંસ્થાની માન્યતા સરકાર રદ કરે.