કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરનારા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને પાર્ટીએ મોટી જવાબદારી સોંપી છે. ભાજપે દાદરા નગર હવેલી અને દમણના પ્રદેશ પ્રભારી તરીકે પૂર્ણેશ મોદીની નિમણૂક કરી છે. ભાજપના આ પગલાને 2024મા લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીની તૈયારીઓરૂપે જોવામાં આવી રહ્યું છે.
ત્રણ ટર્મથી છે ધારાસભ્ય
58 વર્ષીય પૂર્ણેશ મોદી ત્રણ ટર્મથી ધારાસભ્ય છે. તે OBC સમુદાયમાંથી આવે છે અને વ્યવસાયે વકીલ છે. તેઓ પહેલીવાર 2013માં સુરત પશ્ચિમ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તે 2017 અને 2022માં આ જ સીટ પરથી ચૂંટાયા હતા. ગત વખતે તેઓ એક લાખ મતોની સરસાઈથી જીત્યા હતા.વર્ષ 2021 માં, તેમને પ્રથમ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા અને તેમને પરિવહન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ જેવો મહત્વના વિભાગ આપવામાં આવ્યા હતા. વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જીતી ગયા. જો કે બીજી વાર તેમને મંત્રી પદ આપવામાં આવ્યું નથી.
દુષ્યંત પટેલને સહ પ્રભારી બનાવાયા
ગુજરાત સરકારના માજી મંત્રી અને વર્તમાન ધારાસભ્ય પુર્ણેશ મોદીને પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ સહ પ્રભારી તરીકે ભરૂચના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલની નિમણુંક કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી એક્શન મોડમાં જોવા મળી રહી છે. જો કે, પુર્ણેશ મોદી અને દુષ્યંત પટેલની પ્રભારી તરીકેની નિમણુંકને લઈને અનેક તર્કવિતર્ક પણ શરુ થયા છે.