કહેવાય છે 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'. આ સૂત્રને ધ્યાનમાં રાખી સમગ્ર દેશમાં 'સ્વચ્છ ભારત અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ ભાજપના ધારાસભ્યો અલગ અલગ તીર્થ ધામોની સફાઈ કરી રહ્યા છે. એક સાથે 24 દેવસ્થાનોમાં સફાઈ કરવામાં આવી રહી છે. ત્યારે હર્ષ સંઘવીએ અમદાવાદમાં આવેલા નગરદેવી એટલે ભદ્રકાલી મંદિર પરિસરમાં સાફસફાઈ કરી હતી. તે ઉપરાંત રાજકોટ ખાતેથી મુખ્યમંત્રીએ આ અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ બાલાજી હનુમાન મંદિરની સફાઈ કરી હતી.
ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે તીર્થસ્થાનોની સફાઈ!
રાજ્યના વિવિધ તીર્થસ્થાનો પર મહાસફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્ય સહિતના કાર્યકરો દ્વારા તીર્થસ્થાનોની સફાઈ કરવામાં આવી હતી.રાજ્યના મુખ્યમંત્રી રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિરની સફાઈ કરવાના છે. ઋષિકેશ પટેલ મહેસાણા ઉમિયાધામ ખાતે, બચુખાબડ બનાસકાંઠામાં અંબાજી મંદિર ખાતે, મુકેશ પટેલ કામરેજ સુરતના ગાય પગલા મંદિરે, રમણ સોલંકી ખેડાના ડાકોર મંદિરમાં, જેઠાભાઈ ભરવાડ પાવાગઢ મંદિર ખાતે, જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર અક્ષરધામ મંદિર ખાતે ધર્મસ્થાનો પર મહાસફાઈ અભિયાન અંતર્ગત ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં ભાગ લેશે.
હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન!
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ભદ્રકાલી મંદિરની સફાઈ કરી હતી. તેમની સાથે ભાજપના ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો પણ જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દેવસ્થાનોને ચોખ્ખા રાખવાની જવાબદારી સફાઈ કર્મચારીઓની જ નહીં પરંતુ આપણી પણ બને છે.