ભાજપના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાએ ગુજરાત ભાજપના એક ટોચના નેતા તેમના કરોડો રૂપિયા 10 વર્ષથી દબાવીને બેઠા છે તેવી સોશિયલ મીડિયા પોસ્ટ કરીને વિવાદનો મધપુડો છંછેડ્યો છે. રાજકીય વર્તુળોમાં આ નેતાને લઈ અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. જો કે રામ મોકરિયાએ આ નેતાને વડીલ ગણાવીને તેમનું નામ જાહેર કર્યું નથી. મીડિયા અહેવાલો મુજબ તો ભાજપના આ અગ્રણી નેતાએ મોકરિયા સહિત તેમના પાંચ મિત્રોના 100 કરોડ રૂપિયા દબાવ્યાનું પણ સામે આવ્યું છે. રસપ્રદ બાબતે એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાણાંની ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે આ આગેવાને દ્વારા તેમને ધાકધમકી આપીને ચુપ કરી દેવાતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો
ભાજપના જ આંતરિક વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ વરિષ્ઠ ભાજપા નેતાએ માત્ર રામભાઇ મોકરિયાને જ નહીં આવા અન્ય ચાર લોકો પણ છે જેમના કરોડો રૂપિયા આ સિનિયર આગેવાન ઓળવી ગયા છે. વડીલ નેતાની પોલ ખુલ્લી પડતા ભાજપના ભરોસા પર સવાલો થઈ રહ્યા છે આ જ કારણે પ્રદેશ ભાજપના આગેવાનો પણ આ મામલો સમેટાઇ તેવા પ્રયાસ કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ઉદ્યોગપતિને પણ આ મહાશયે કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યો છે. આ ઉદ્યોગપતિએ નાણાંની ઉઘરાણી કરી તો તેમને ધમકાવવામાં આવ્યા હતા. આવા જ બીજા એક વ્યક્તિ છે જે રાજકોટમાં એક સારી સંસ્થા ચલાવે છે. સામાજિક કામોમાં હંમેશા વ્યસ્ત રહેતા આ આગેવાન સમાજ ઉપયોગી કામ માટે કોઇ પણના ડેલે જઇને સારા કામ માટે દાન ઉઘરાવી શકે છે. આ આગેવાનના પણ કરોડો રૂપિયા ફસાયા છે. એક તેલિયા રાજાના પણ કરોડો રૂપિયા સલવાયા છે, તેઓ રૂપિયા પરત મેળવવા ગમે ત્યારે મેદાનમાં આવે તેવી આશંકા છે. એક સામાન્ય અનુમાન મુજબ ભાજપના આ સિનિયર નેતા તેમના અંગત મિત્રોની લગભગ 100 કરોડની રકમ ચાઉં કરી ગયા છે.
પીઢ નેતાનું જમીનોમાં કરોડોનું રોકાણ અળે ગયું
ગુજરાતના રાજકારણમાં છવાયેલા આ પીઢ નેતા રાજ્યમાં ભાજપની સરકાર રચાયા બાદ મહત્ત્વના ખાતા ધરાવતા હતા. આ સત્તાનો ઉપયોગ તેમણે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે, અમદાવાદમાં અન્ય સ્થળે, આ ઉપરાંત રાજકોટ, વડોદરા અને કચ્છમાં હજારો એકર જમીન ખરીદી હતી. પોતાની કમાણીની રકમમાંથી પોતાના નામે મિલકત ખરીદી શકાય તેમ નહીં હોવાથી નેતાએ પોતાના નિકટના લોકોના નામે હજારો એકર જમીન ખરીદ કરી હતી અને તે વિશ્વાસુ લોકોના નામે જમીનના દસ્તાવેજો કરાવ્યા હતા. હવે નિવૃત્તિના આરે પહોંચ્યા ત્યારે તે વિશ્વાસુ લોકોએ જ તેમને હાથતાળી આપીને છૂમંતર થઈ ગયા છે. અને તે જમીન કે તેના બદલામાં પૈસા આપવામાં હાથ ઉંચા કરી દેતા નેતા પોતાના લેણદારોને રકમ પરત કરી શકતા નથી.
પ્રશ્ન ઉકેલવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા
ભાજપના આ સિનિયર નેતા પર લોકોની બાકી નિકળતી રકમ ચૂકવવા માટે દબાણ થઈ રહ્યું છે. જો કે કરોડોની રકમનું ચૂકવણુ બાકી હોવાથી વાત આગળ વધતી નથી. આ નેતા સાથે સારા સંબંધ ધરાવતી વ્યક્તિએ પણ પ્રશ્નનો ઉકેલ લાવવાનના પ્રયાસો કર્યા હતા. સાસણગીરની બાજુમાં ફાર્મહાઉસ અને એક હોટેલ ધરાવતી આ વ્યક્તિને પીઢ નેતા સાથે લાંબા સમયથી ગાઢ સંબંધો રહ્યા છે. આ વ્યક્તિએ લેણદારોને રકમ પરત અપાવવા પ્રયાસો કર્યા હતા, જો તેમના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.