સાળંગપુર વિવાદ શાંત થવાને બદલે દિવસેને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. મોટી પ્રતિમા નીચે આવેલા ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા છે. મામલો સામે આવતા ભક્તોમાં, સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલે સાહિત્યકારોની, ધર્મગુરૂઓની પ્રતિક્રિયા સામે આવી હતી પરંતુ આ મામલે રાજકીય પાર્ટીઓ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું. પરંતુ આજે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત સરકારના મંત્રીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
હું મારૂતિનંદનનો ભક્ત છું, તેમનું સન્માન જળવાવું જોઈએ - સાંસદ
સાંસદ રામ મોકરિયાએ વિવાદ અંગે વાત કરતા કહ્યું કે હું મારૂતિનંદનનો ભગત છું, તેમનું સન્માન જાળવવું જોઇએ. કોઈ મંદિરનો પૂજારી હોય તો તેને પૂજારી તરીકે રહેવાય. તે એમ કહે કે હું ભગવાન છું તો એ ન ચાલે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ વિવાદથી દૂર રહેવું જોઇએ. લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે તો આ ભીંતચિત્રો દૂર કરવાં જોઈએ એવું મારું માનવું છે. શંકરાચાર્યથી કોઇ મોટું નથી એની અપીલ સૌ લોકોએ માનવી જોઈએ. હિન્દુ સમાજમાં ભાગ પડે અને અન્ય લોકોને તેનો લાભ થાય એવું ન કરવું જોઇએ.
વિવાદ મામલે કુંવરજી બાવળીયાએ આપી પ્રતિક્રિયા
તે સિવાય મંત્રી કુંવરજી બાવળીયાએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે જણાવ્યું કે સાંજ સુધીમાં સ્થાનિક લેવલે આ વિવાદનો અંત આવે તે પ્રકારના પ્રયાસ છે. જરૂર પડશે તો અમે ત્યાં જઈશું અને સાથે બેસીને વિવાદનો ઉકેલ લાવીશું. સંતો સાથે વાત નથી થઈ પરંતુ, સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનિક વાત થઈ છે. મહત્વનું છે કે આ નિવેદન મંત્રીના વ્યક્તિગત અભિપ્રાય છે.
એક ભક્તે ભીંતચિત્ર પર કર્યો કાળો કલર
આ વિવાદ સામે આવ્યા બાદ અનેક સ્વામીનારાયણ મંદિરોથી ચિત્રો સામે આવી રહ્યા છે જેમાં હનુમાનજીને દાસ દર્શાવવામાં આવ્યા હોય. એક બાદ એક મંદિરોથી આવા દશ્યો સામે આવ્યા છે. ભક્તોની લાગણી દુભાઈ રહી છે. આજે એક ભક્તે ભીંતચિત્રો પર કાળો પટ્ટો મારી દીધો હતો. જે ભક્તે આ વાત કહી છે તેમનું નામ છે હર્ષદ ગઢવી. તે બાદ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે.