લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો પર ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો પરંતુ ભાજપના અનેક નેતાઓને પણ આ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પટેલની સામે રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા...
હાર્દિક પટેલને કરવો પડ્યો વિરોધનો સામનો
આપણે કહેતા હોઈએ છીએ કે કરે કોઈ અને ભરે કોઈ... આ કહેવત હાલની પરિસ્થિતિમાં એકદમ સાચી સાબિત થઈ રહી છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. કારણ કે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનના વિરોધનો સામનો ભાજપના બીજા નેતાઓને કરવો પડી રહ્યો છે. એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રૂપાલાનો વિરોધ નડ્યો છે. અમદાવાદ જિલ્લા પંચાયતની વિરમગામ વિધાનસભા અંતર્ગત આવેલ જખવાડા ગામે ધારાસભ્ય હાર્દિક પટેલ પહોંચ્યા તો રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. વિરોધમાં હાય રૂપાલા હાય હાય ગૃહમંત્રી હાય હાય મુખ્યમંત્રી હાય હાય સહિતના નારાઓ લગવવામાં આવ્યા.
16 એપ્રિલે પરષોત્તમ રૂપાલા ભરશે નામાંકન ફોર્મ
આ પહેલી વાર નહીં થઈ રહ્યું ક ભાજપના નેતાને વિરોધનો સામનો કરવો પડ્યો હોય. બનાસકાંઠામાં જ્યારે રેખાબેન ચૌધરી ગયા હતા ત્યારે પણ આવી રીતે જ વિરોધ થયો હતો. રેખાબેન ચૌધરીને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં પરંતુ સી.આર.પાટિલના કાર્યક્રમમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા અને ખુરશીઓ ઉછાડી હતી. હવે મોટી વાત તો એ છે કે પરષોતમ રૂપાલાએ જ્યાં કાર્યક્રમ કર્યા ત્યાં કોઈ વિરોધ ન હતો થયો જ્યારે બીજા બધા ભાજપના કાર્યક્રમમાં નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ સાથે ક્ષત્રિય સમાજ અડીખમ છે તો પરષોત્તમ રૂપાલા પણ 16 એપ્રિલે નામાંકન ભરવાના છે. ત્યારે જોવું રહ્યું આ વિવાદનો અંત ક્યારે આવે છે..?