ગુજરાતમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ અન્ય પોલીટીક્લ પાર્ટી પર આક્ષેપ લગાવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહી છે. 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની છે. પોતાના મુદ્દાઓમાં આમ આદમી પાર્ટીએ શિક્ષણને વધારે પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે આપ પર નિશાન સાધતા યજ્ઞેશ દવેએ RTI કરી હતી. જેમાં તેમણે અરવિંદ કેજરીવાલ પર આક્ષેપ લગાડયા હતા.
ભાજપ અને આપ વચ્ચે ચાલતું ટ્વિટર યુદ્ધ
ભાજપ અને આપ વચ્ચે અનેક વખત ટ્વિટર યુદ્ધ ચાલતું રહે છે. એક બીજા પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડવામાં નથી આવી રહ્યો. ત્યારે ફરી એક વાર ટ્વિટરના માધ્યમથી ભાજપે આપ પર પ્રહાર કર્યા છે. ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી દિલ્હી મોડલને લઈ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે 2015થી 2022 સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી. કોઈ પણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈ પણ શિક્ષક સાથે સંવાદ નથી કર્યા કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ ફાળવી નથી અને ગુજરાતમાં આવી હળહળતું જુઠ્ઠું બોલે છે.
આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન
ગુજરાતમાં અનેક વખત કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલે જનતાને વિવિધ વચનો આપ્યા છે. અને કયા મુદ્દાઓ પર ચૂંટણી લડવાના છે તે પણ જાહેર કર્યું છે. જેમાં શિક્ષણ પર વધારે ધ્યાન આપવાની વાત કરી છે. આપે ગુજરાત શિક્ષણને લઈ અનેક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. દિલ્હી મોડલ બતાવી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપે RTI કરી આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. આ અગાઉ પણ RTI કરી યજ્ઞેશ પટેલે આપ પર પ્રહાર કર્યો છે.