આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આપણે ભલે એવું માનતા હોઈએ કે લોકસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે પરંતુ રાજકીય પાર્ટીઓ આ સમયને ઓછો ગણતા હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે. આંતરિક સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગર પાલિકાઓમાં પ્રભારીઓની નિમણૂંક કરી છે. ઉલ્લેખનિય છે કે ચૂંટણીને લઈ નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવતી હોય છે.
મહાસંપર્ક અભિયાનની ભાજપ કરશે શરૂઆત!
લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કમળ ખીલે તે માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે. સંગઠનમાં અનેક ફેરફાર કરી સંગઠનને મજબૂત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન આપવામાં આવશે. આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી જેમાં જણાવામાં આવ્યું હતું કે ભાજપની મૂળશક્તિ લોકસંપર્કમાં છે, તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સતત લોકોની વચ્ચે રહે છે અને ચૂંટણી આવે એટલે ફરી જનતા સમક્ષ જાય છે. 30મેથી મહાસંપર્ક અભિયાન ભાજપ દ્વારા શરૂ કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી.
41 પ્રભારીઓની કરાઈ નિમણૂંક!
26 બેઠકો પર જીત હાંસલ કરવા ભાજપે પોતાના સંગઠનમાં ફેરફાર કર્યા છે. ચૂંટણી પહેલા રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકાઓમાં પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપે 41 પ્રભારીઓની નિમણૂંક કરી છે. ગાંધીનગર શહેર ભાજપના પ્રભારી તરીકે નૌકાબેન પ્રજાપતિની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે જિલ્લાના પ્રભારી તરીકે અશોક ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. સુરત શહેરની જવાબદારી શિતલબેન સોનીને સોંપવામાં આવી છે જ્યારે ભાવનગર શહેરની જવાબદારી ચંદ્રશેખર દવેને સોંપવામાં આવી છે. અમદાવાદમાં ઝવેરીભાઈ ઠકરારની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે ભાજપ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં કોઈ કચાસ રાખવા નથી માગતી.