રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાની ના પાડી છે ત્યારે આજે ભાજપે બે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપ દ્વારા બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ તેમજ કેસરીદેવસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા વિદેશમંત્રી એસ.જયશંકરે પોતાની દાવેદારી નોંધાવી છે.
આ નામો પર લાગી મોહર!
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. થોડા સમય પહેલા વિદેશમંત્રી એસ.જયશંકરના નામની જાહેરાત કરવામાં આવી હતી તેમણે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. ત્યારે આજે ભાજપ દ્વારા વધુ બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રબારી સમાજથી આવતા બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈની પસંદગી કરવામાં આવી છે, જ્યારે વાંકાનેરના રાજવી પરિવારના કસેરીસિંહ ઝાલાના નામ પર મોહર લાગી છે. 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે.
કોંગ્રેસ અને AAP ઉમેદવારો નહીં ઉતારે
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આ દરમિયાન હવે ભાજપના ડો. એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે આ ત્રણેય બેઠકો પર ભાજપના જ ઉમેદવારો જીતશે. ભાજપ પાસે વિધાનસભામાં સંખ્યાબળ વધુ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવાર મેદાને નહીં ઉતારે. કોંગ્રેસ પાસે વિધાનસભામાં ફક્ત 17 ધારાસભ્યો છે.
રાજ્ય સભાની ચૂંટણી ક્યારે યોજાશે?
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 14 જુલાઈએ ઉમેદવાર પત્રની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ઉમદવારી પત્ર ખેચવાની છેલ્લી તારીખ હશે. 24 જુલાઈએ સવારે 9 થી 4 મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.