Sabarkanthaમાં ચાલી રહેલા વિરોધને શાંત કરવા ભાજપની કવાયત, Harsh Sanghaviની આગેવાનીમાં બંધબારણે ચર્ચા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-30 14:31:37

લોકસભાના ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ગુજરાતના રાજકારણમાં ભડકો જોવા મળી રહ્યો છે. અનેક બેઠકો પર ઉમેદવારોના નામને લઈ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર એવું બન્યું છે કે ભાજપના કાર્યકરો રસ્તા પર છે અને ભાજપ સ્થિતિ સંભાળી શકતું નથી. ગુજરાતમાં વડોદરા, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ અને રાજકોટના વિવાદો શમ્યા નથી ત્યાં અમરેલીના ભાજપના સાંસદે પોતાનો બળાપો વ્યક્ત કર્યો છે. વધતા વિરોધને જોતા એવું લાગી રહ્યું છે કે સાબરકાંઠામાં ઉમેદવારને ભાજપ બદલી શકે છે...!   


ગુજરાતમાં ચાલી રહેલા આંતરિક ડખાનો રિપોર્ટ દિલ્હી પહોંચ્યો

ભારતીય જનતા પાર્ટીમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એક બાદ એક બેઠકો પર લોકસભા માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારને લઈ વિરોધ થઈ રહ્યો છે. પહેલીવાર કોંગ્રેસ ટનાટન અને ભાજપમાં કકળાટ જોવા મળી રહ્યો છે. એક કે બે દિવસમાં મૌન થઈ જતો બળવો હાલમાં વકરતો જાય છે. દિલ્હી હાઈકમાન્ડે પણ આ મામલે ચૂપકીદી સેવી છે કે સ્થાનિક નેતાઓનું પાણી માપી રહી છે પણ સ્થાનિક નેતાઓ ફેલ ગયા હોવાના રિપોર્ટ દિલ્હી સુધી પહોંચ્યા છે. આગામી દિવસોમાં દિલ્હીથી આદેશો થાય તો પણ નવાઈ નહીં.


પેટા ચૂંટણીના ઉમેદવારને લઈ પણ જોવા મળ્યો વિરોધ 

અનેક લોકસભા બેઠકો એવી છે જ્યાં જાહેર કરવામાં આવેલા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો હોય. ના માત્ર લોકસભા બેઠક માટે પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારને લઈ પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ એ ભાજપ નથી, જેની એક નજરથી કોઈ પણ બળવો શાંત થઈ જતો નથી, ગાંધીનગરથી થતો એક આદેશ સર્વોપરી મનાતો અને શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં શાંતિ ફેલાઈ જતી. આજે હોબાળો, કકળાટ, રસ્તા પર પ્રદર્શનો અને કમલમમાં પોલીસ ગોઠવવી પડી રહી છે. આ એ ગુજરાત છે જ્યાં સત્તા તો ભાજપની છે પણ ભાજપ પાર્ટીના કાર્યાલયો સલામત નથી...


પહેલા ભીખાજી ઠાકોરને આપવામાં આવી ટિકીટ પરંતુ પછી...  

વાત આજે કરવી છે કે, સાબરકાંઠા લોકસભા બેઠક વિશે.....તો લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા ત્યાર પછી બે બેઠક પર ઉમેદવારને બદલી પણ નાંખ્યા પરંતુ વિરોધનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ખાસ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને પહેલા ટિકિટ આપવામાં આવી, ત્યારપછી મૂળ કોંગ્રેસી શોભના બારૈયાને ટિકિટ અપાતા આકરો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ભાજપના મોટા નેતાઓ હિંમતનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે બંધબારણે બેઠક કરી કેટલીક મહત્વની ચર્ચાઓ કરી છે... 


બીજેપીએ પોતે જાહેર કરેલા બે ઉમેદવારને બદલવા પડ્યા!

લોકસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપમાં વિરોધનો વંટોળ કદાચ આટલો પહેલી વખત જોવા મળ્યો છે. અને તેથી જ ભાજપે જાહેર કરેલા પોતાના બે ઉમેદવાર બદલવા પડ્યા. ભાજપનો ઈતિહાસ રહ્યો છે કે એકવાર જાહેરાત પછી ઉમેદવારોને બદલવામાં નથી આવતા...પરંતુ વડોદરા અને સાબરકાંઠામાં પહેલી વખત આવું બન્યું અને ઈતિહાસ રચાઈ ગયો. પરંતુ સાબરકાંઠામાં તો ભાજપે ઉમેદવાર બદલીને જાણે ભૂલ કરી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જે પહેલા જાહેર કર્યા હતા તે ઉમેદવાર વખતે વિરોધ નહતો તેટલો વિરોધ બીજા ઉમેદવારમાં જોવા મળી રહ્યો છે. તેનું ઉચિત કારણ પણ છે. કારણ કે 2022માં જ કોંગ્રેસમાંથી આવીને કેસરિયો કરનારા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ભાજપે ટિકિટ આપી છે અને તેથી જ ભાજપના કાર્યકરો આક્રોશિત છે. 


પરિસ્થિતિને શાંત કરવા બંધ બારણે નેતાઓ દ્વારા કરાઈ બેઠક! 

વિરોધનો વંટોળ વધી ગયો છે અને સ્થિતિ હાથમાંથી જતી રહે તે પહેલા ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું છે. રાજ્ય સરકારના બે મંત્રીઓ વડામથક હિંમતનગર પહોંચ્યા છે. જ્યાં તેમણે જિલ્લા સંગઠન, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો સાથે બંધ બારણે ચર્ચા કરી હતી. હર્ષ સંઘવી અને ભીખુસિંહ પરમારે બંધ બારણે યોજેલી આ બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઈ છે. પરંતુ તેની સ્પષ્ટ વાત બહાર આવી નથી... જો કે ચર્ચાઓ એવી પણ શરૂ થઈ છે કે ભાજપે કેટલાક યોગ્ય નેતાઓને સેન્સ લેવા માટે બોલાવ્યા હતા.


ભાજપ સાબરકાંઠામાં બદલી શકે છે ઉમેદવાર 

એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે ભાજપે સાબરકાંઠા માટે ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી છે. આંતરિક વિરોધ એટલો વધી ગયો છે કે ભાજપ ભીખાજી ઠાકોર પછી શોભના બારૈયા અને બારૈયા પછી કોઈ નવા જ ચહેરાને ચૂંટણી લડાવે તો નવાઈ નહીં...જો કે આ મામલે કોઈ કંઈ ખુલીને બોલવા તૈયાર નથી. પરંતુ જિલ્લા ભાજપ અધ્યક્ષે આ બેઠકમાં થયેલી ચર્ચા વિશે માત્ર એટલું કહ્યું કે, કાર્યકર્તાઓનું મનોબળ વધારવા અને માર્ગદર્શન આપવા માટે બે મંત્રીઓ આવ્યા હતા.


જો ભાજપ ડેમેજ કંટ્રોલમાં સફળ નહીં થાય તો નુકસાન વેઠવું પડશે!

તો જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખને એવું પૂછવામાં આવ્યું કે, શું ભાજપ ઉમેદવાર બદલવાની તૈયારી કરી રહ્યું છે તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી અને આવી કોઈ વાત નથી તેવું કહ્યું. ભાજપમાં ક્યારે શું થાય તેની જાણ જિલ્લા પ્રમુખને હોય ખરાં?...પ્રદેશની પણ નેતાગીરી અજાણ હોય અને ઉમેદવાર બદલાઈ જાય છે. તો પછી જિલ્લા પ્રમુખ શું જાણે? ખેર જે હોય તે...પરંતુ સાબરકાંઠા ભાજપમાં વિરોધનો વંટોળ ખુબ જ જોરદાર છે. જો ભાજપ ડેમેજ કંટ્રોલ ન કરે તો મોટી નુકસાની વેઠવી પડી શકે તેમ છે. તેથી જ મોટા નેતાઓએ સાબરકાંઠા સુધી લાંબુ થવું પડ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે આગળ આગળ શું થાય છે?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?