ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે ત્રણેય પક્ષો પોતાની રીતે લડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠકો પર ચર્ચા કરી હતી. અમદાવાદ ગ્રામ્યની વીરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા અને દસક્રોઈ વિધાનસભા ક્ષેત્રો પર કોને મોકો આપવામાં આવશે તે મામલે ચર્ચા કરી હતી. ચર્ચાની અંતે કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી તે નિર્ણય લેવાયો હતો.
વિરોધ સામે હાર્દિકને વીરમગામની ટિકિટ અપાઈ શકે
આજે અમદાવાદ ગ્રામ્યની વીરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા અને દસક્રોઈ બેઠક માટે ચર્ચા કરવામાં આવી હતી. વીરમગામ માટે ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલને લડાવે તેવા સમાચારો આવી રહ્યા હતા. આજે પણ ચર્ચામાં હાર્દિક પટેલને વીરમગામ વિધાનસભા ક્ષેત્રની ટિકિટ આપી શકે તેવી ચર્ચા કરવામાં આવી હતી. વીરમગામના લોકોની સમગ્ર મામલે ઉલટ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. વીરમગામના લોકો અને વીરમગામના ભાજપના કાર્યકર્તાઓ હાર્દિક પટેલને ટિકિટ અપાય તેની વિરોધમાં દેખાઈ રહ્યા છે.
ભૂપેન્દ્ર પટેલની ટિકિટ કપાવાની સંભાવના
વર્ષ 2012 અને વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્ર ચૂડાસમા ધોળકા વિધાનસભા ક્ષેત્રથી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં તો ભૂપેન્દ્ર ચૂડાસમાની જીત મામલે વિવાદ સર્જાયો હતો અને મામલો હાઈકોર્ટમાં પણ ગયો હતો. સમગ્ર બાબત વચ્ચે આ ચર્ચામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ વખતે ભૂપેન્દ્ર ચૂડાસમાની ટિકિટ કપાઈ શકે છે. વર્ષ 2017માં ભૂપેન્દ્ર પટેલ 327 મતોની લીડથી ધારાસભ્ય બન્યા હતા.
બાબુ જમના પટેલની ટિકિટ કપાવાની સંભાવના
ભાજપની અમદાવાદ ગ્રામ્યની ચર્ચામાં દસ્ક્રોઈ વિધાનસભા ક્ષેત્ર મામલે વરિષ્ઠ ધારાસભ્ય બાબુ જમના પટેલની ટિકિટ કપાવાની સંભાવના છે. અમદાવાદ ગ્રામ્યની 3.11 લાખ મતદારો ધરાવતી દસક્રોઈ બેઠક પર વર્ષ 2017માં બાબુ જમના પટેલે પંકજ પટેલ સામે જીત મેળવી હતી. વર્ષ 2007થી બાબુ જમના પટેલ દસક્રોઈ બેઠક પરથી જીતતા આવે છે પણ આ વખતે બાબુ જમના પટેલની ટિકિટ કપાવાની સંભાવના છે.
સાણંદના યુવા ધારાસભ્ય કનુ પટેલને રિપીટ કરાશે
સાણંદના યુવા ધારાસભ્ય કનુ પટેલને રિપીટ થાય તેવી વાત સામે આવી રહી છે. સાણંદ વિધાનસભા 2 લાખ 43 હજારથી વધુ મતદારો ધરાવતું ક્ષેત્ર છે. સાણંદ વિધાનસભા ક્ષેત્રમાં સાણંદ અને બાવળા તાલુકાના ગામો આવે છે. વર્ષ 2017માં સાણંદથી કનુ પટેલ ધારાસભ્ય બન્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી ફરીવાર કનુ પટેલને મોકો આપે તેવી શક્યતાઓ છે. આમ આદમી પાર્ટીએ કુલદીપ વાઘેલાને આ વિધાનસભા ક્ષેત્રમાંથી ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસમાં હાલ કોને ટિકિટ આપવામાં આવશે તે જાહેરાત નથી થઈ.