લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. બીજી યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ થાય છે. ગુજરાતની 11 બેઠકોમાંથી બીજી યાદીમાં ભાજપે 7 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. 7 બેઠકોમાંથી બે બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારને ઉતાર્યા છે. બીજી યાદીમાં અનેક નવા ચહેરાને તક આપવામાં આવી છે. ઉમેદવારોના નામની વાત કરીએ તો સાબરકાંઠાથી ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ટિકીટ આપી છે.
આ બેઠકો માટે ભાજપે ઉમેદવાર નથી કર્યા જાહેર
તે ઉપરાંત અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકીટ આપવામાં આવી છે અને તેમને રિપીટ કરવામાં આવ્યા છે. ભાવનગરમાં નિમુબેન બાંભણીયાને તો વડોદરા માટે હાલના સાંસદ રંજનભટ્ટને રિપીટ કરાયા છે. છોટા ઉદેપુરમાં જશુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે ટિકીટ આપવામાં આવી છે જ્યારે સુરતમાં મુકેશ દલાલને ટિકીટ આપવામાં આવી છે. વલસાડમાં ધવલ પટેલને ઉમેદવાર તરીકે ભાજપે ઉતાર્યા છે. માત્ર 4 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની ઘોષણા નથી કરી અને તે છે મહેસાણા, જૂનાગઢ, અમરેલી તેમજ સુરેન્દ્રનગર માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી.
કોના કોના કપાયા પત્તા?
મહત્વનું છે આ વખતે અનેક સાંસદોના પત્તા કપાયા છે. બીજી યાદીની વાત કરીએ તો સુરતથી દર્શનાબેન જરદોશની ટિકીટ કપાઈ તો ભાવનગરમાં ભારતીબેન શિયાળની, છોટા ઉદેપુરમાં ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઈ તો સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડની ટિકીટ કપાઈ છે જ્યારે વલસાડથી કે.સી.પટેલનું પત્તુ કપાયું છે. પ્રથમ યાદીમાં કપાયેલા સાંસદોના નામની વાત કરીએ તો પોરબંદરથી રમેશ ધડુકની ટિકીટ કપાઈ છે. બનાસકાંઠામાં પરબત પટેલની ટિકીટ કપાઈ છે તો પંચમહાલ બેઠક માટે રતનસિંહ રાઠોડને રિપીટ નથી કરવામાં આવ્યા. રાજકોટમાં મોહન કુંડાયિરાને ટિકીટ નથી આપવામાં આવી. અમદાવાદ પશ્ચિમમાં કિરીટ સોલંકીને નથી કરવામાં આવ્યા રિપીટ.