ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. જ્યારથી ચૂંટણી પ્રચાર શરૂ થયો છે ત્યારથી ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા રહે છે. ત્યારે ફરી એક વખત ભાજપના નેતા યજ્ઞેશ દવેએ આપ પર પ્રહાર કર્યા હતા. પ્રહાર કરતા તેમણે ટ્વિટ કર્યું કે ગુજરાતને ભોળવવા ગુજરાતી બોલનાર એ ભૂલી ગયા છે કે સરદાર પટેલ અને ગાંધીજી પણ ગુજરાતી હતા.
ઓફિસમાં લાગેલા ફોટાને લઈ ગરમાઈ રાજનીતિ
ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અનેક વખત આરોપ-પ્રતિઆરોપ થતા રહે છે. ગુજરાતમાં આ વખતે અરવિંદ કેજરીવાલ પણ પ્રચાર કરી રહ્યા છે. આપનો પ્રચાર કરતી વખતે તેઓ અનેક વખત ગુજરાતીમાં બોલ્યા છે. અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ લોકો સામે આવતા હોય છે. આ વખતે ઓફિસમાં લાગેલા ફોટોને લઈ રાજનીતિ ગરમાઈ છે. કેજરીવાલની ઓફિસમાં આંબેડકર અને ભગત સિંહના ફોટો હોવાને કારણે યજ્ઞેશ દવેએ પ્રહાર કર્યો છે.
ગાંધી-સરદારનું અપમાન કરનારને ગુજરાત માફ નહીં કરે - યજ્ઞેશ દવે
ભાજપના યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી લખ્યું કે ગુજરાતને ભોળવવા ગુજરાતી બોલનારએ ભૂલી ગયા છે કે સરદાર પટેલ અને ગાંધીજી પણ ગુજરાતી હતા અને એક મુખ્ય પ્રધાન તરીકે નીતિ નિયમો અનુસાર પણ તેમની પાછળ ગાંધીજી અને સરદાર પટેલની તસવીર હોવી જોઈએ તે ગાયબ છે. રેવડીને બધા ઓળખી ગયા છે ગાંધી સરદારનું અપમાન કરનારને ગુજરાત માફ નહીં કરે.