ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને માત્ર થોડાજ દિવસો બાકી છે. ત્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. આજે વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખંભાળિયાથી મૂળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, દેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટીકિટ આપવામાં આવી છે.
ભાજપે ગુરૂગોવિદ યુનિવર્સિટી ગોધરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તથા રાજકોટ જિલ્લા ભાજપમાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા ડો. મહેન્દ્ર પાડલીયાને ધોરાજી બેઠક પર ટીકિટ આપી છે. જ્યારે ભાવનગર પૂર્વ પરથી વિભાવરી બહેન દવેની ટીકિટ કપાઈ છે. જ્યારે સી.આર,પાટીલના ગઢ સુરતની ચોર્યાસી બેઠક પરથી ઝંખના પટેલનું પત્તુ કપાયું છે. તેના સ્થાને સંદીપ દેસાઈને ટિકિટ મળી છે.
ધોરાજીમાં હવે થશે જંગ
ધોરાજી બેઠક પર કોંગ્રેસમાંથી લલિત વસોયાને રીપિટ કરવામાં આવ્યાં છે. ભાજપે કડવા પટેલની આ જૂની સીટ કબજે કરવા શિક્ષિત ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. ધોરાજી-ઉપલેટા બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને હરાવી શકે તેવા ઉમેદવાર માટે ગતમોડી રાત સુધી દિલ્હીમાં મનોમંથન ચાલ્યુ હતુ.અગાઉ કડવા પટેલ પાસે રહેલી બેઠક 2017માં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.