ગુજરાત વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તબક્કાવાર પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ભાજપે વધુ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર સહિત અનેક નામોનો સમાવેશ થાય છે. 182માંથી ભાજપે 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
રાધનપુરથી અલ્પેશ ઠાકોરને ન મળી ટિકિટ
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી રહી છે. કોંગ્રેસ, ભાજપ તેમજ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામની ઘોષણ કરી રહ્યા છે. ત્યારે ભાજપે 12 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.
4 બેઠકો માટે ઉમેદવારના નામ નથી જાહેર કર્યા
ભાજપે 182માંથી 178 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની જગ્યાએ ભાજપે ગાંધીનગર દક્ષિણ બેઠક માટે ટિકિટ ફાળવી છે. રાધનપુર બેઠક માટે ભાજપે લવિંગજી ઠાકોરને પસંદ કર્યા છે. પાટણ માટે ડો. રાજુલબેન દેસાઈ, ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ, વટવાથી બાબુસિંહ જાદવ, મહેમદાવાદથી અર્જુનસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. ગરબાડા, માંજલપુર, માણસા અને ખેરાલુ માટે ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી.