BJPએ ગુજરાતમાંથી રાજ્યસભાની 4 સીટો માટે ઉમેદવારો કર્યા જાહેર, જાણો તેઓ કોણ છે અને શું છે યોગદાન?


  • Published By :
  • Published Date : 2024-02-14 18:48:17

ભારતીય જનતા પાર્ટીએ આજે ગુજરાતની રાજ્યસભાની સીટો માટે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે જે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સુરતના જાણીતા હીરા વેપારી ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. જેમાંથી એપ્રિલ 2024માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી છે. આ ચાર સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકનું નામ સામેલ છે. ચૂંટણીપંચ દ્વારા ગુજરાત રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરાઈ છે. આગામી 27 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.  ભાજપની ગુજરાત વિઘાનસભામાં 156 સીટો હોવાથી આ ચારેય ઉમેદવારોની જીત નક્કી મનાય છે.  જો કે આ ક્ષણે એ સવાલ થાય છે કે ભાજપે આ જે ચાર લોકોને રાજ્ય સભા માટે પસંદ કર્યા છે તે કોણ છે અને તેમનું શું યોગદાન છે? તો આવો જાણીએ તેમના વિશે


ભાજપ પ્રમુખ જેપી નડ્ડા


ભાજપના નેતા જેપી નડ્ડા મૂળ તો હિમાચલ પ્રદેશના છે પણ ભાજપે તેમને ગુજરાતથી ઉમેદવાર બનાવ્યા છે.  જગત પ્રકાશ નડ્ડાનો જન્મ 2 ડિસેમ્બર 1960માં થયો હતો. તેઓ હિમાચલ પ્રદેશમાંથી ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા  તેઓ વર્ષ 1993માં હિમાચલ પ્રદેશની બિલાસપુર સદર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. જે બાદ તેઓને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1998માં તેઓ ફરી એકવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જે બાદ તેઓને વર્ષ 2010માં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. તો પાર્ટી હાઈકમાન્ડ દ્વારા તેઓને વર્ષ 2012માં રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી સરકારમાં તેઓ આરોગ્ય મંત્રી હતા. 2020માં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.


હીરા વેપારી ગોવિંદ ધોળકિયા


ગોવિંદ ધોળકિયા અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ છે, તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાનું મોટું નામ છે. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળા ગામના વતની છે. ગુજરાતના દુધાળા ગામમાં 7 નવેમ્બર 1947 ના રોજ જન્મેલા ગોવિંદ ધોળકિયાનો ઉછેર નાનકડા ઘરમાં થયો હતો. સાત ભાઈ-બહેનો સાથે ગરીબ ખેડૂત પરિવારમાં તેમનો ઉછેર થયો હતો. ગોવિંદભાઈએ સાઠના દાયકામાં  17 વર્ષની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરાઉદ્યોગમાં ઈતિહાસ રચી દીધો હતો. તેમણે સૌરાષ્ટ્રમાં જળસંચય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ધોળકિયા નરેન્દ્ર મોદીના વિશ્વાસુ માનવામાં આવે છે. ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં 11 કરોડનું દાન કર્યું હતું. માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને અનેક પડકારો વચ્ચે રામકૃષ્ણ ડાયમંડ્સ નામની કંપની ઉભી કરી છે, જેમાં આજે  6000થી વધુ લોકોને રોજગારી મળે છે.  સાદગીપ્રિય અને આધ્યાત્મિક પ્રકૃતિના ગોવિંદ ધોળકિયા લોકો વચ્ચે પ્રેમથી ગોવિંદ કાકા તરીકે ઓળખાય છે.


ડો. જશવંતસિંહ પરમાર


ડો. જસવંતસિંહ સાલમસિંહ પરમાર વ્યવસાયે તબીબ છે, તેઓ  પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુરના વતની છે. જશવંતસિંહ પરમારનો જન્મ 15 જૂન 1975ના રોજ થયો હતો. તેમણે અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાંથી MBBS બાદ M.Sનો અભ્યાસ કર્યો છે.  હાલમાં ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેઓ ઓબીસી અગ્રણી નેતા તરીકે પણ જાણીતા છે અને ભારતીય જનતા પાર્ટી મૂળના છે.  જશવંતસિંહ પરમારનો પરિવાર વર્ષોથી RSS સાથે સંકળાયેલો છે. તેઓ પણ 30 વર્ષથી ભાજપના સભ્ય છે. તેમના પિતા સાલમસિંહ પરમાર જિલ્લા પંચાયત સભ્ય રહી ચુક્યા છે. 2017ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપમાથી દાવેદાર હતા ટિકિટ ના મળતા તેઓ અપક્ષ લડ્યા હતા. જશવંતસિંહ પરમાર પંચમહાલમાં ભાજપના  બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. ગોધરામાં 60 હજારથી વધુ બારિયા બક્ષી પંચ સમાજના મતદારો છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં આ સમાજના મતો મેળવવા માટે ડો. જસવંતસિંહને ભાજપ રાજ્યસભામાં મોકલી રહી છે. 


મયંક નાયક


મયંક નાયક  મહેસાણા ભાજપનો જાણીતો ચહેરો છે. ઉત્તર ગુજરાતના ઓબીસી મતદારોને આકર્ષવા અને જાતિ સમિકરણો બેસાડવા માટે ભાજપે તેમની પસંદગી કરી હોવાનું મનાય છે. મયંક નાયક વસતીની દ્રષ્ટિએ નાના એવા નાયક-ભોજક સમાજમાંથી આવે છે. તેઓ ગુજરાતના ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે. મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા. એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા મયંક નાયકને પૂરતા પગારની નોકરી ન મળતા તેમણે ત્રણ વર્ષ સુધી રિક્ષા પણ ચલાવી હતી. મયંક નાયક ગૃહ મંત્રી અમિત શાહના ખાસ વિશ્વાસુ મનાય છે, અને એટલે જ જ્યારે તેમની પસંદગી રાજ્ય સભા માટે થતા તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આભાર માન્યો હતો.  



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.