રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અલગ અલગ મુદ્દે રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. અલગ અલગ મુદ્દાને ધ્યાનમાં રાખી પાર્ટી એકબીજા પર પ્રહાર કરી રહી છે. ભાજપ માટે રાજસ્થાનમાં મહત્વનો મુદ્દો છે પેપરલીક. પેપર લીકને લઈ ભાજપ કોંગ્રેસ પર આક્રામક દેખાઈ રહી છે. પેપર લીક મુદ્દે ગેહલોત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પેપરલીક મુદ્દે નિવેદન આપ્યું હતું જેને લઈ યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે.
રાજસ્થાનમાં થયેલા પેપરલીક મુદ્દે અમિત શાહે કરી વાત
પેપરલીક એક મોટો ગંભીર મુદ્દો છે. પેપર લીક થવાને કારણે અનેક યુવાનોના ભવિષ્ય અંધકારમય બની જાય છે. ગુજરાતમાં પણ અનેક વખત પેપરલીક થયા છે પરંતુ કેવી કાર્યવાહી કરવામાં આવી તે આપણે જાણીએ છીએ. કાર્યવાહીના રૂપમાં શું પગલા લેવાયા તે આપણે જાણીએ. રાજસ્થાનમાં પેપરલીક મુદ્દે ભાજપ એકદમ આક્રામક દેખાઈ રહી છે. પેપરલીક મુદ્દે અનેક વખત રેલીમાં મંત્રીઓ દ્વારા આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે રાજસ્થાનમાં અમિત શાહ પ્રચાર કરી રહ્યા ત્યારે તેમણે પેપરલીક મુદ્દે નિવેદન આપ્યું હતું જેમાં એક વર્ષમાં કેટલા પેપર લીક થया છે તેવી વાત કહી હતી. આ નિવેદન સામે આવતા વિદ્યાર્થી નેતા તરીકે જાણીતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી હતી.
યુવરાજસિંહે ગણાવ્યા ગુજરાતમાં કેટલા પેપરલીક થયા?
પ્રતિક્રિયા આપતા યુવરાજસિંહે કહ્યું કે રાજસ્થાનનું પોડાશી રાજ્ય ગુજરાત છે. જેમાં ભાજપની જ સરકાર છે, છતાંય ત્યાં પેપરલીક થાય છે. યુવાનોના ભવિષ્ય પર પ્રશ્ન છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં તો 24 પેપરલીકની ઘટના બની છે. ગુજરાતમાં થતા પેપરલીકની ઘટના તમારા માટે શા માટે મહત્વ ધરાવતી નથી તે એક પ્રશ્ન છે. ગુજરાતમાં 2014થી કેટલા પેપરલીક થયા છે તેની માહિતી યુવરાજસિંહે આપી હતી.