મહેસાણાના બહુચરાજીથી કચ્છમાં માતાના મઢ સુધીની યાત્રા ભાજપે શરૂ કરી છે, 12થી 20 ઓક્ટોબર સુધી આ યાત્રા ચાલવાની છે, યાત્રાની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરાવી છે, આ પહેલા કૉંગ્રેસમાંથી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને લઈને નીકળ્યા છે. આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં તિરંગ યાત્રા કાઢી ચુકી છે. પ્રશ્ન એ છે કે નેતાઓ ભલે ગમે તે કહેતા હોય પણ એમની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જનતાને જોડવાનો હોય છે, કોઈ જ એકતા, ગૌરવ કે દેશદાઝના તાંતણાથી નહીં પણ વોટના તાંતણે લોકો બંધાય અને જીત મળે.
ત્રણેયમાંથી કોઈ જનતાનો ઉદ્ધાર કરી શકશે?
ત્રણમાંથી કૉંગ્રેસે વર્ષો સુધી આ દેશ પર શાસન કર્યુ છે, આટલા વર્ષોની સત્તા પછી કૉંગ્રેસને યાદ આવે છે કે દેશ ટુકડાંઓમાં વહેંચાયેલો છે અને એક કરવાની જરૂર છે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 27 વર્ષથી સરકારમાં છે એમને હવે યાદ આવે છે કે ગુજરાતને ગૌરવ અપાવવાની જરૂર છે. આમ આદમી પાર્ટી પણ પોતાને રાષ્ટ્રની હિતેચ્છું બતાવવા માટે તિરંગા યાત્રા કરતી હોય છે પણ એમની પાસે પણ કોઈ ચોક્કસ વિચારધારાનો આધાર નથી, પંજાબમાં જાય તો ભગતસિંહની વાત ગુજરાતમાં આવે તો ગાંધીજીની વાત. આમ વિચારધારાનો આંચળો ઓઢીને નીકળેલી આ કોઈ જ યાત્રાઓ જનતાને પોતાના દરરોજ સતાવતા પ્રશ્નોના જવાબ નથી આપી શકવાની.