આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે. બંને રાજનેતાઓએ પોતાના દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે સિવાય ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓ ગાંધી બાપુને રાજઘાટ ખાતે જઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિજયઘાટ પર જઈ રાષ્ટ્રપતિ, પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા. તે સિવાય અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંને રાજનેતાઓને યાદ કર્યા છે અને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. પોતાના પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે ગાંધી જયંતિના ખાસ અવસર પર હું મહાત્મા ગાંધીને નમન કરું છે. તેમના ઉપદેશો માર્ગદર્શન આપે છે. મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવજાતને એકતા અને કરૂણાની ભાવનાને અનુસરવા માટે પ્રેરણા આપે છે. તેમના સપનાને સાકાર કરવા માટે આપણે હંમેશા કામ કરતા રહીએ.મહાત્મા ગાંધી ઉપરાંત દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ પીએમ મોદીએ યાદ કર્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા લખ્યું કે "લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કરું છું. દેશ પ્રત્યેની તેમની સાદગી અને સમર્પણ અને 'જય જવાન, જય કિસાન' ના નારા આજે પણ દેશની પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. "
મહાત્મા ગાંધીને વિદેશમાં વસતા લોકો પણ યાદ કરે છે!
મહાત્મા ગાંધી જેમને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓખળીએ છીએ તેમની આજે જન્મ જયંતી છે. મહાત્મા ગાંધીને ન માત્ર ભારતમાં યાદ કરવામાં આવે છે પરંતુ વિદેશમાં પણ ગાંધીજીને યાદ કરવામાં આવે છે. બાપુના તેમજ ગાંધીવાદી વિચારધારાના ચાહકો ભારત ઉપરાંત વિદેશમાં વસે છે. વિદેશીઓ પણ બાપુને માનથી બોલાવે છે. વિદેશથી જ્યારે કોઈ રાષ્ટ્રીય મહેમાન ભારત આવે છે ત્યારે તેઓ અચૂકપણ રાજઘાટ જઈ બાપુને પુષ્પાંજલી અર્પણ કરતા હોય છે. ગાંધીજીએ અહિંસાને પોતાનું શસ્ત્ર બનાવ્યું હતું.