ગુજરાત પર ત્રાટકેલા વિનાશકારી બિપોરજોય વાવાઝોડાથી સામાન્ય લોકો અને ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ સૌથી વધુ વિનાસ વેર્યો છે. જો કે હવે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો સરકાર પર આશ લગાવીને બેઠા છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે બિપોરજોય વાવાઝોડાએ વેરેલા વિનાશ બાદથી નુકસાનીનો સરવે શરૂ કરી દેવાયો છે.
લોકોને ઝડપથી સહાય મળશે
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ વેરેલા વિનાશ બાદથી નુકસાનીનો સરવે શરૂ કરી દેવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરવે બાદ તરત જ રાજ્ય સરકાર એક રાહત પેકેજ જાહેર કરશે અને અસરગ્રસ્ત લોકોને સરકાર ઝડપથી સહાય પહોંચાડશે. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રજાને કંઈ પણ નુકશાન થયું હોય સરકાર હંમેશા તેમની સાથે ઉભી રહેશે. તંત્ર દ્વારા કુલ એક લાખથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને વેરાવળ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના લીધે નુકસાન થયું છે.
100 ટકા વળતરની કિસાન સંઘે કરી છે માગ
બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે.ત્યારે વાવાઝોડામાં ખેડૂતોને થયેલા નુકસાનનું 100 ટકા વળતર ચૂકવવામાં આવે તેવી માગ ભારતીય કિસાન સંઘે કરી હતી. ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ આ અંગે રાજ્ય સરકારને રજૂઆત કરી છે કે વાવાઝોડાને કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે. બાગાયતી પાકને ખેતી કરતા ખેડૂતોને પાંચ વર્ષે ઉત્પાદન મળતું હોય છે. ત્યારે વાવાઝોડાને કારણે થયેલી આ નુકસાનીમાં સરકારે નક્કી કરેલા ધારાધોરણોમાં થોડો બદલાવ કરી અને ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે તેવી પ્રયાસ સરકાર કરે તેવી રજૂઆત કિસાન સંઘ તરફથી કરવામાં આવી હતી.