વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના સમુદ્ર કિનારા તરફ ધસી રહ્યું છે. વાવાઝોડાની ભયાનક અસરને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ જ કારણે એસટી વિભાગે પણ ઘણી બસોના રુટ ટૂંકાવ્યા છે જ્યારે અનેક બસો રદ કરી છે. એસટી વિભાગે સૌરાષ્ટ્ર તરફ જતી 350થી વધુ એસટી બસો રદ કરવામાં આવી છે. 60 બસના રૂટ ટૂંકાવાયા છે. જામનગર, પોરબંદર, સોમનાથ, દ્વારકા જિલ્લાના રૂટ પર એસટી વ્યવહાર સદંતર ઠપ્પ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વાવાઝોડાની અસરના કારણે રેલવે વિભાગે અનેક ટ્રેનો રદ કરી છે.
જામનગર ST વિભાગે 16 રૂટ બંધ કરી
બિપરજોય વાવાઝોડાના પગલે જામનગર એસટી વિભાગે મોટો નિર્ણય કર્યો છે. વાવાઝોડાની સંભવિત અસરના કારણે જામનગર એસટી વિભાગે 16 રૂટ બંધ કરી છે. જામનગરથી, દ્વારકા, વેરાવળ, પોરબંદર રૂટ સદંતર બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે.
બે દિવસ એસટી બસોના રૂટ રદ
બિપોરજોય વાવઝોડાને પગલે હિંમતનગર વિભાગીય એસટી કચેરી દ્વારા એસટી બસોના રુટો રદ કરવામાં આવ્યા છે. એસટી વિભાગીય કચેરીના 8 ડેપોના 18 એસટી બસોના રુટ રદ કરાયા છે. સાબરકાંઠા,અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના 8 ડેપોના 18 એસટી બસોના રુટ રદ કરાયા છે. 14 અને 15 જૂન બે દિવસ એસટી બસોના રૂટ રદ કરાયા છે.