બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી 11 દોષિતોને રાતોરાત છોડવાના નિર્ણયને લઈ જવાબ માગ્યો છે, સરકારના નિર્ણયને જાણીતા સીપીએમ નેતા સુભાષિની અલી, લેખિકા રેવતી લાલ અને માનવાધિકાર કાર્યકર્તા રૂપ રેખા વર્માએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો,આ મામલે બે સપ્તાહ બાદ સુનાવણી થશે.
રાજ્ય સરકારને SCની નોટિસ
ગોધરાકાંડ પછી બનેલા 2002ના બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં તમામ 11 દોષિતોને 2008માં સીબીઆઈની વિશેષ અદાલતે આજીવન કેદની સજા સંભળાવી હતી. જોકે તેઓ 2004થી જેલમાં હતા. આ તમામને આજીવન કેદના બદલે 15 વર્ષની સજા પૂરી થવાના આધારે 15 ઓગસ્ટના રોજ ગોધરા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.ગુજરાત સરકારના નિર્ણયને લઈ દેશભરમાં અનેક બુધ્ધીજીવીઓએ સવાલો કર્યા હતા. સરકારના નિર્ણયની સામે સુપ્રીમનો દરવાજો ખખડાવતા અંતે સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને નોટીસ ફટકારી હતી.
બિલ્કિસ બાનો કેસ કેસની સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સવાલ એ છે કે શું ગુનેગાર ગુજરાતના નિયમો હેઠળ દોષિતો મુક્તિના હકદાર છે કે નહિ? અમારે જોવું પડશે કે મુક્તિ આપતી વખતે આને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે નહીં.
આજીવન કેદ એટલે જીવનભરની કેદ
સુપ્રીમ કોર્ટે 14 વર્ષ પછી કેદીઓને મુક્ત કરવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આજીવન કેદ એટલે જીવનભરની કેદ.જસ્ટિસ કે એસ રાધાકૃષ્ણન અને મદન બી લકુરની બેન્ચે નિરિક્ષણ કરતા કહ્યું હતું કે "એવી ખોટી માન્યતા હોય છે કે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને 14 કે 20 વર્ષની જેલની સજા પૂરી થવા પર મુક્ત થવાનો અધિકાર છે". કેદીને એવો કોઈ અધિકાર નથી. આજીવન કેદ અથવા આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતે જીવનના અંત સુધી કસ્ટડીમાં રહેવું પડે છે. આજીવન કેદની સજા પૂરી થાય તે પહેલાં, દોષિતને સંબંધિત સરકારની કોઈ પણ મુક્તિ અથવા માફી સાથે સીઆરપીસીની કલમ 432 હેઠળ મુક્ત કરી શકાય છે, પરંતુ સીઆરપીસીની કલમ 433-એ મુજબ, સંબંધિત સરકાર 14 વર્ષ અગાઉ આજીવન કેદની સજાને ઘટાડી શકતી નથી.'
બિલ્કિસ બાનો કેસ શું છે?
ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં કોમી રમખાણો થયા હતા, આ દરમિયાન 3 માર્ચ 2002ના દિવસે દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં એક ટોળાએ બિલ્કિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો, આ સમયે બિલ્કિસ બાનો પાંચ મહિનાની ગર્ભવતી હતી અને તેની સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. બેકાબુ બનેલા ટોળાએ પરિવારના સાત સભ્યોની પણ ક્રુરતાપુર્વક હત્યા કરી નાખી હતી જેમાં બિલ્કિસની ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ થતો હતો.