સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો સાથે ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માંગ કરતી 11 દોષિતોની અરજીને શુક્રવારે ફગાવી દીધી હતી. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે કહ્યું કે દોષિતોએ આપેલા કારણોમાં કોઈ દમ નથી.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજદારોની અરજી અંગે સુનાવણી હાથ ધરતા કહ્યું,કે 'અમે સિનિયર વકીલ અને અરજદારોના વકીલ, બિનઅરજદારોના વકીલની દલીલો પણ સાંભળી છે. સરેન્ડર માટે વધુ સમય આપવા માટે અરજદારો દ્વારા આપવામાં આવેલા કારણોમાં કોઈ તથ્ય નથી કારણ કે આ કારણો કોઈ પણ રીતે તેમને અમારા નિર્દેશોનું પાલન કરતા અટકાવતા નથી. તેથી આ અરજીઓ ફગાવી દેવામાં આવે છે. 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. તેણે દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. બાદમાં દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાની વિનંતી કરી હતી. આ માટે તેણે ખરાબ તબિયત, સર્જરીની જરૂરિયાત, પુત્રના લગ્ન અને ખેતરમાં પાકની કાપણી જેવા કારણો દર્શાવ્યા હતા.
આ 11 લોકો છે દોષિત
સજાનો સમય પૂરો થાય તે પહેલા જેલ મુક્ત કરાયેલા 11 દોષિતોમાં બકાભાઈ વોહનિયા, ગોવિંદભાઈ નાઈ, રમેશ રૂપાભાઈ ચાંદના, મિતેશ ચીમનલાલ ભટ્ટ, પ્રદીપ રમણલાલ મોઢિયા, બિપિન ચંદ્ર જોષી, જસવંતભાઈ ચતુરભાઈ નાઈ, રાધેશ્યામ ભગવાનદાસ શાહ, કેશરભાઈ ખીમાભાઈ વોહનિયા, શૈલેશભાઈ ચીમનલાલ ભટ્ટ અને રાજુ ભાઈ સોનીનો સમાવેશ થાય છે.
શું છે બિલ્કીશ બાનો કેસ?
આ ઘટના સમયે બિલ્કીસ બાનો 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. 2002માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. રમખાણોમાં માર્યા ગયેલા તેમના પરિવારના સાત સભ્યોમાં તેમની 3 વર્ષની પુત્રી પણ સામેલ હતી.