ગુજરાતના બિલ્કીસ બાનો કેસના દોષિતોએ આત્મસમર્પણ માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે. આ કેસના 11 દોષિતોમાંથી ત્રણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સતત ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે. બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિતોની મુક્તિને રદ કરી હતી અને તેમને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. તેની સમયમર્યાદા 21 જાન્યુઆરીએ પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં, આ કેસના ત્રણ દોષિતોએ જેલ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. દોષિતોના વકીલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે દોષિતોની અરજીને સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે.
કોર્ટે મુક્તિ રદ કરી હતી
8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર દ્વારા દોષિતોની સમયપૂર્વેની મુક્તિને રદ કરી હતી. ત્યારપછી જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે બિલ્કીસ બાનો કેસના 11 આરોપીઓને બે સપ્તાહની અંદર આત્મસમર્પણ કરવા કહ્યું હતું. હવે 11 દોષિતોમાં, ગોવિંદ નાઈએ 4 અઠવાડિયાના એક્સ્ટેન્શનની માંગણી કરી છે, જ્યારે મિતેશ ભટ્ટ અને રમેશ ચાંદનાએ 6 અઠવાડિયાના એક્સટેન્શનની માંગણી કરી છે. આ માટે, આ દોષિતોએ અંગત કારણો જણાવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
2002માં ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. આ પછી ગુજરાતમાં તોફાનો ફેલાઈ ગયા. આ રમખાણોની ઝપેટમાં બિલ્કીસ બાનોનો પરિવાર પણ આવી ગયા હતા. બિલ્કીસ બાનો પર માર્ચ 2002માં ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે બિલ્કીસ બાનો ગર્ભવતી હતી. ટોળાએ તેના પરિવારના 7 સભ્યોની પણ હત્યા કરી હતી. આ કેસમાં 11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ તમામ ગુજરાતની પંચમહાલ જેલમાં બંધ હતા. ગુજરાત સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા 15 ઓગસ્ટ, 2022ના રોજ 11 દોષિતોને મુક્ત કર્યા હતા.