રાજ્યના ખૂબ ચર્ચિત ડમીકાંડમાં અપડેટ આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડી પરીક્ષાઓ પાસ કરનાર કૌભાંડ યુવરાજસિંહ દ્વારા બહાર લાવવામાં આવ્યું હતું. ચકચાર મચાવનાર કાંડમાં ભાવનગર પોલીસ તેમજ એસઓજી દ્વારા અનેક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 61 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. યુવરાજસિંહ દ્વારા કરવામાં આવેલા ઘટસ્ફોટ બાદ પોલીસ પોતે ફરિયાદી બની હતી. ત્યારે આ મામલે કોર્ટમાં 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી. 61 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
1527 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ
થોડા સમય પહેલા એક એવું કૌભાંડ સામે આવ્યું હતું જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવે છે તેવા પુરાવા સાથે યુવરાજસિંહે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તે બાદ પોલીસે જાતે ફરિયાદી બની અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી. પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાં અનેક આરોપીઓના નામનો સમાવેશ થયો હતો. સમયાંતરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હજી સુધી 64 આરોપીની ધરપકડ કરી છે. કોર્ટ સમક્ષ એક સાથે 61 લોકોને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. 1527 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે ચાર્જશીટમાં 56 જેટલા સાક્ષીઓનો ઉલ્લેખ છે.
થોડા પૈસાની લાલચમાં બગડે છે અનેક યુવાનોનું ભવિષ્ય
60 આરોપીઓને એકસાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ કરતા તેમના મા બાપ આવા કિસ્સાઓમાં વધારે દોષી હોય છે. થોડા પૈસાની લાલચમાં પોતાના છોકરાઓને ગેરમાર્ગે અમુક માતા પિતા દોરતા હોય છે. ગેરરીતિથી આપવામાં આવતી પરીક્ષાઓને કારણે અનેક યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. આમાંથી કેટલાય એવા છોકરાઓ છે જે સારામાં સારી સરકારી નોકરી મેળવી શકે છે. પોતાના જીવનને સાર્થક કરી શકે છે. ખેર હવે આ લોકો દુનિયા માટે આરોપી છે અને તેમનું ભવિષ્ય અંધકારમાં છે કારણકે હવે તેમને સરકારી નોકરીતો છોડો પરંતુ તેમને કોઈ પ્રાઈવેટ કંપનીમાં પણ નોકરી નહીં મળે.