હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શેર માર્કેટમાં લિસ્ટ કંપનીના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. શેરબજારની વર્તમાન સ્થિતિમાં જૂથની કંપનીઓના શેરમાં જોવા મળેલા કડાકાને કારણે કંપનીએ ફોલોઓન પબ્લિક ઓફર રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે અને રોકાણકારોને નાણા પરત કરવાનો નિર્ણય કર્યો છે. અદાણી ગ્રુપે 20 હજાર કરોડના એફપીઓને રદ્દ કરી દીધા છે. બુધવાર રાત્રે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઈક્વિટી શેરની ફેસ વેલ્યુ એક રુપિયા હતો અને અંતિમ દિવસે આ એફપીઓ ફુલી સબસ્ક્રાઈબ થઈ ગયો હતો.
રોકાણકારોના નાણાં પરત કરવાનો નિર્ણય કર્યો
જાન્યુઆરી મહિનામાં આવેલા હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું. ધનિક વ્યક્તિઓના લિસ્ટમાંથી તેમનું નામ નીકળી ગયું હતું. મંગળવારે એચએનઆઈ, ઉદ્યોગપતિ તેમજ ધનિક લોકોના સહકારથી કંપનીનો એફપીઓ 1.12 ગણો ભરાઈ ગયો હતો. ત્યારે બુધવારે મળેલી બેઠકમાં એફપીઓ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં કડાકો આવતા એફપીઓ કરાયો રદ્દ
ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કપરી પરિસ્થિતિમાં અમારા બિઝનેસ અને મેનેજમેન્ટ પર વિશ્વાસ રાખવા માટે રોકાણકારોનો આભાર માનું છું. બજેટના દિવસ દરમિયાન કંપનીના શેરોમાં ભારે લે-વેચ જોવા મળી હતી. 35 ટકા જેટલો ઘટાણો નોંધાયો હતો તે ઉપરાંત અદાણીનું માર્કેટકેપ 50 ટકા જેટલું ધોવાઈ ગયું હતું. ત્યારે અદાણી જૂથની કંપની અદાણી એન્ટરપ્રાઈઝે સંપૂર્ણ ભરાઈ ગયેલા એફપીઓને આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે વર્તમાન અસાધારણ સ્થિતિને જોતાં રોકાણકારોના હિતમાં એફપીઓના નાણા પરત આપવાનો નિર્ણય કરાયો છે.