એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Vivo Indiaના ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. વીવો વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, Vivo Indiaના વચગાળાના CEO હોંગ ઝુક્વાન ઉર્ફે ટેરી, મુખ્ય નાણાકીય અધિકારી (CFO) હરિન્દર દહિયા અને સલાહકાર હેમંત મુંજાલની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
Vivoનું શું કહેવું છે?
Vivo અધિકારીઓની ધરપકડ અંગે કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે અમે Vivo અધિકારીઓ સામે થયેલી વર્તમાન કાર્યવાહીથી ખૂબ જ ચિંતિત છીએ. તાજેતરના સમયમાં વિવોના અધિકારીઓની વારંવાર ધરપકડ એ જુલમની નિશાની છે. કંપનીનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહીથી બિઝનેસના વાતાવરણમાં અનિશ્ચિતતાની લાગણી પેદા થશે. વિવોના જણાવ્યા અનુસાર, તેઓ આ મામલે તમામ કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે.
અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી
અગાઉ પણ આવા જ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં મોબાઈલ કંપની લાવા ઈન્ટરનેશનલના એમડી હરિઓમ રાય, ચીની નાગરિક ગુઆંગવેન ઉર્ફે એન્ડ્ર્યુ કુઆંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન ગર્ગ અને રાજન મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે આ તમામ લોકો હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. EDએ આ ચારેય વિરુદ્ધ દિલ્હીની વિશેષ PMLA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.