28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. પરંતુ આ કાર્યક્રમ રાજકીય અખાડામાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. દેશની 19 જેટલી રાજકીય પાર્ટીઓ આ કાર્યક્રમથી દૂર રહેવાની છે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે. સંસદ ભવનના ઉદ્ધાટનને લઈ થઈ રહેલા વિરોધને લઈ ગુજરાતના મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સંસદ ભવનના લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત નિંદનીય છે. વિપક્ષનો નિર્ણય અપમાનજનક અને લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન અંગે આપ્યું નિવેદન!
નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થાય તે પહેલા વિપક્ષી પાર્ટીઓના આ મામલે નિવેદનો સામે આવી રહ્યા છે. 19 જેટલી પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ત્યારે આ વાત પર પીએમ મોદીએ વાત કરી હતી તે બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે સંસદ ભવનના નવનિર્મિત સંકુલનું લોકાર્પણએ ગૌરવપૂર્ણ બાબત છે. સંસદભવનના લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વિપક્ષની જાહેરાત નિંદનીય છે. નવા સંસદ ભવનનો વિરોધ દેશની 140 કરોડ ભારતીયઓનું અપમાન સમાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેઓના દુરંદેશી હેઠળ દેશની લોકશાહીના મંદિર સમાન સંસદ ભવનના નવનિર્મિત સંકુલને આગામી 28મેના રોજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે તે આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે.
વિપક્ષી પાર્ટીઓ પર ભૂપેન્દ્ર પટેલે સાધ્યું નિશાન!
વિપક્ષો પાર્ટી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વિપક્ષી પક્ષો દ્વારા કરવામાં આવતો વિરોધએ દેશના મહાન લોકતાંત્રિક મુલ્યો અને સંવિધાનિક માન્યતાઓ પર હુમલો છે. લોકતંત્રમાં સંસદ એક પવિત્ર સંસ્થા છે. લોકોના હૃદયના ધબકારા સમાન છે. અહીં દેશની નીતિઓ ઉપર નિર્ણય થાય છે, જેનાથી લોકોના જીવનમાં બદલાવ આવે છે. પાછલા અનેક વર્ષોમાં વિપક્ષી દળોએ વારંવાર સંસદીય પ્રણાલી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે થાય તેવી વિપક્ષની માગ!
મહત્વનું છે કે વિપક્ષી પક્ષ દ્વારા એવી માગ કરવામાં આવી રહી છે કે સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવે. વિપક્ષોનું કહેવું છે કે વડાપ્રધાન ઉદ્ધાટન કરશે તો દેશના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિનું અપમાન થશે, લોકશાહીની આત્મા મરી જશે. તે સિવાય રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ધાટનની વાત તો દૂર રહી તેમને આમંત્રણ પણ નથી આપ્યું, સંસદ ભવન બંધારણના મૂલ્યોથી બને છે.