આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે સરકાર ધારે તો ગમે તે કરી શકે. અનેક એવા ઉદાહરણો આપણી સામે છે. આંદોલનકારીઓના આંદોલન વધે તે પહેલા જ આંદોલન ઠારી દેવામાં આવે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં ભૂપેન્દ્ર સરકાર 2.0 આંદોલન વધે તે પહેલા જ મધ્યસ્થી કરીને, સંવાદ કરીને મામલો શાંત કરી દે છે. એ વિવાદ સાળંગપુરનો હોય કે, પછી બનાસકાંઠાથી આંદોલન માટે નીકળેલા ખેડૂતો હોય. વાતો કરીને આંદોલન શાંત કરી દેવામાં આવે છે.
સાળંગપુર ભીંતચિત્રો, બનાસકાંઠા લાફાકાંડ મામલે સરકારે કરી છે મધ્યસ્થી
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન થઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ બનાસકાંઠામાં ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. જે બાદ બનાસકાંઠાથી ગાંધીનગર તરફ આવવા ખેડૂતોએ આગેકૂચ કરી હતી. પોતાની માગ સાથે ખેડૂતો આગળ નીકળ્યા હતા. ગાંધીનગરમાં ખેડૂતો આંદોલન કરે તે પહેલા જ ખેડૂત આગેવાનો સાથે વાત કરી હતી અને આંદોલન શાંત થઈ ગયો હતો. તે બાદ આવ્યો સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ. સાળંગપુરમાં આવેલી વિશાળ હનુમાનજીની પ્રતિમા નીચે હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા હતા. ભીંતચિત્રો સામે આવતા વિવાદ સર્જાયો હતો. વિવાદ વધારે વકરે તે પહેલા, આંદોલનો શરૂ થાય તે પહેલા સરકારે મધ્યસ્થી કરીને વિવાદને શાંત કરી દીધો હતો.
શિક્ષક દિવસે ટેટ-ટાટના ઉમેદવારોએ કર્યો હતો જ્ઞાનસહાયકનો વિરોધ
પરંતુ જ્યારે ટેટ-ટાટ ઉમેદવારોની વાત આવે ત્યારે કદાચ સરકાર પોતાના મક્કમ ઈરાદાને દર્શાવતી હોય તેવું લાગે છે. ઉમેદવારો સાથે સંવાદ કરીને જ્ઞાન સહાયક યોજનાને લઈ કોઈ નિર્ણય લેવા માટે સરકાર જાણે તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતે શિક્ષક દિવસના દિવસે ભાવિ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ઉમેદવારો સાથે પોલીસે જેવી રીતે વ્યવહાર કર્યો હતો તેને જોઈને ઉમેદવારોમાં રોષ વધારે ભભૂકી ઉઠ્યો હતો. યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારો સાથે આવ્યા હતા.
શું સરકાર ટેટ-ટાટના ઉમેદવારો સાથે સંવાદ કરી લાવશે ઉકેલ?
એક તરફ સરકાર અનેક મુદ્દાઓમાં મધ્યસ્થી કરી મામલાને શાંત કરી રહી છે પરંતુ ટેટ-ટાટના ઉમેદવારોના મામલામાં જાણે સરકાર પોતાની વાતમાં મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. યોજનાને લઈ મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ટેટ-ટાટના ઉમેદવારોના આંદોલનમાં સરકાર શું નિર્ણય લે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. શું સરકાર ઉમેદવારો સાથે સંવાદ કરી મામલાને શાંત કરવાની કોશિશ કરશે કે પછી ઉમેદવારો પોતાના આંદોલનને આગળ વધારશે તે જોવું રહ્યું..