પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં મતદાન યોજાયું હતું. જેનું પરિણામ આઠમી ડિસેમ્બરના રોજ આવ્યું હતું. ભાજપે પ્રચંડ બહુમતી સાથે તમામ રેકોર્ડ તોડી દીધા છે. ત્યારે આવનાર સમયમાં ગુજરાતમાં નવી સરકાર બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સાથે પોતાનું રાજીનામું આચાર્ય દેવવ્રતને સુપ્રત કર્યું હતું. અને 12 ડિસેમ્બરના રોજ નવા મંત્રી મંડળની શપથ વિધી સમારોહ યોજાવાનો છે.
કેબિનેટ મંત્રીઓએ પણ આપ્યું રાજીનામું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. ભાજપને 156 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 17 સીટો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતુ ખોલ્યું હતું. નવી સરકાર બને તે પહેલા મુખ્યમંત્રી પદેથી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સાથે રાજીનામું આપી દીધું છે. ઉપરાંત આવતી કાલે કમલમ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે જેમાં મંત્રીમંડળ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.