ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મતદારોને રિઝવવા માટે મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. આ જીતેલા ઉમેદાવારોમાંથી કેટલાક ભાગ્યશાળી ધારાસભ્યોને પ્રધાન બનવાની તક પણ મળી શકે છે. મંત્રી બનતા અલ્લાદ્દીનના ચિરાગની જેમ તેમની સંપત્તી સામાન્યમાં સામાન્ય બે-ત્રણ ગણી વધી જશે તેવું નિર્વિવાદપણે કહીં શકાય. જેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પહેલી વખત મંત્રી બનેલા કેટલા નેતાઓની સંપત્તી માત્ર એક જ વર્ષમાં અનેકગણી વધી ગઈ છે. વિધાનસભા ચૂંટણી માટે આ નેતાઓના ઉમેદવારી પત્રમાં ઉમેદવારોએ આપેલા સોગંદનામામાં આધારે ઘણી મહત્વની માહિતી મળી રહી છે. જે એફિડેવિટમાં ઘણા ઉમેદવારોએ પોતાની સંપત્તિ કરોડોમાં જાહેર કરી છે. નેતાઓની એફિડેવિટનું વિશ્લેષણ કરતા આ સત્ય બહાર આવ્યું છે.
કનુભાઈ દેસાઈ- નાણામંત્રી
ભાજપના નેતા અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2017ની ચૂંટણી દરમિયાન પોતાની સંપત્તિ 4.36 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 8.50 કરોડ જાહેર કરી છે. તેમની સંપત્તિમાં 90% વધુનો વધારો થયો છે.
જીતુ વાઘાણી-શિક્ષણ મંત્રી
રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ તેમની સંપત્તિ 4.39 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 7.39 કરોડ રૂપિયા જાહેર કરી છે. પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં મોટો વધારો નોંધાયો છે.
જીતુ ચૌધરી-પાણી પુરવઠા મંત્રી
ભાજપના ઉમેદવાર અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીએ 2017ની ચૂંટણી વખતે પોતાની સંપત્તિ 1.12 કરોડ જાહેર કરી હતી. હવે તેમની કુલ સંપત્તિ 1.78 કરોડ છે. તેની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
કિરીટસિંહ રાણા-વન અને પર્યાવરણ મંત્રી
કિરીટસિંહ રાણા ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહે તેમની સંપત્તિ 1.09 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 1.39 કરોડ જાહેર કરી છે. તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે.
વિનુ મોરડિયા-શહેરી બાબતોના રાજ્યમંત્રી
ગુજરાતના શહેરી બાબતોના રાજ્યમંત્રી વિનુભાઈ મોરડિયાએ 2017ની ચૂંટણી વખતે તેમની સંપત્તિ 3.23 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં વિનુભાઈએ તેમની કુલ સંપત્તિ 4.32 કરોડ બતાવી છે.