લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે. ગઈકાલે જ કોંગ્રેસના 2 હજાર જેટલા કાર્યકર્તાઓ, નેતાઓએ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રીની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. રાજકોટ કોંગ્રેસમાં મોટા પાયે ભંગાણ જોવા મળ્યું હતું. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. આમ આદમી પાર્ટી સાથેનો છેડો પણ ફાડી દીધો હતો ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે 3જી ફ્રેબ્રુઆરીએ ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરવાના છે.
3જી ફ્રેબુઆરીએ ભૂપત ભાયાણી જોડાશે ભાજપમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. તેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટ બીજેપીના ફાળે ગઈ છે. 156 મેળવ્યા બાદ પણ જાણે ભાજપને શાંતી નથી તેવું માનવામાં આવી રહ્યું છે! બે ધારાસભ્યએ તો પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું જે બાદ એવું માનવામાં આવતું હતું કે ગમે ત્યારે બંને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ગઈકાલે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા ત્યારે લાગતું હતું કે ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ તેવું ન થયું. ત્યારે એવી માહિતી સામે આવી છે કે 3 ફ્રેબુઆરીએ તે ભાજપમાં જોડાવાના છે. ભૂપત ભાયાણી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરવાના છે.
અપક્ષના ધારાસભ્ય પણ ગમે ત્યારે આપી શકે છે રાજીનામું
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ સીટો હાંસલ કરી હતી. આપે તે પાંચેય ધારાસભ્યને પાંડવ ગણાવ્યા હતા ત્યારે પાંચમાંથી એક ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવી વાતો ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભાજપમાં તે જોડાઈ શકે છે. ત્યારે 3જી ફ્રેબુઆરીએ તે ભાજપના થવાના છે. ભૂપત ભાયાણીએ આ અંગે જણાવ્યું છે કે, વિસાવદર બેઠક પર ભાજપમાંથી હું જ ચૂંટણી લડીશ. ચૂંટણી લડવાના કમિટમેન્ટ સાથે જ હું ભાજપમાં જોડાયો હતો. 3 ફેબ્રુઆરીએ જંગી સભાનું વિસાવદર ખાતે આયોજન કરાયું છે. મારી સાથે 2 હજાર જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. એવી પણ અટકળો ચાલી રહી છે કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ક્યારે ભાજપમાં જોડાવાના છે.