ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે તેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આસામ સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા બતાવામાં આવેલી એક વિજ્ઞાપનને કારણે વિવાદ સર્જાયો છે. ભારતના છઠ્ઠા જ્યોતિર્લિંગ એવા ભીમાશંકરને આસામ રાજ્યમાં બતાવાતા આ વાતે વિવાદનું રૂપ ધારણ કર્યું છે. આ વિજ્ઞાપનને લઈ મહારાષ્ટ્રમાં વિવાદ સર્જાયો છે. આ વિજ્ઞાપનની મહારાષ્ટ્રના નેતાઓ ટીકા કરી રહ્યા છે.
જ્યોતિર્લિંગને લઈ સતત વધતો વિવાદ
મહાશિવરાત્રીને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ભારતના છઠ્ઠા જ્યોતિર્લિંગને લઈ શરૂ થયેલો વિવાદ વકરી રહ્યો છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યનું છે તે અંગે વિવાદ શરૂ થયો હતો. આસામ સરકારના ટુરીઝમ ડિપાર્ટમેન્ટે એક વિજ્ઞાપનમાં ભીમાશંકર જ્યોતિર્લિંગને આસામ રાજ્યનું બતાવ્યું હતું. આસામ ટૂરિઝમે સરતચૂકથી આ જ્યોતિર્લિંગને પોતાના રાજ્યનું બતાવ્યું. જો આ અંગેની સ્પષ્ટતાએ વખતે જ કરવામાં આવી હોત તો આ વિવાદ ન સર્જાયો હોત. પરંતુ આ મુદ્દાએ મહારાષ્ટ્રમાં મોટું રૂપ ધારણ કર્યું છે.
વિપક્ષે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
જાહેરખબરમાં આસામના ટૂરિઝમ વિભાગે પ્રવાસીઓને શિવરાત્રી ઉજવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભીમાશંકર સુધી કેવી રીતે પહોંચવું તે અંગે નકશો બતાવામાં આવ્યો હતો. આ વાતને લઈ આસામ સરકાર અને મહારાષ્ટ્રના વિપક્ષના પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એનસીપી અને શિવસેનાએ આ વિજ્ઞાપનને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે અને પક્ષોનું કહેવું છે કે ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેમાં છે તો આસામ સરકાર કેવી રીતે આ પ્રકારની જાહેરાત છાપી શકે. ભાજપ સરકારે પહેલા અમારા તમામ વિકાસના પ્રોજેક્ટ કર્ણાટકને આપી દીધા હતા, હવે અમારા ભગવાન પણ અમારી પાસેથી છીનવવામાં આવી રહ્યા છે.