ગુજરાતમાં પેપર લીક થવાનું જાણે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જૂનિયર ક્લાર્કનું પેપર લીક થયું હતું. તેની ચર્ચાઓ શાંત થઈ ન હતી ત્યારે રવિવારે ભાવનગર યુનિવર્સિટીનું પેપર લીક થયા હોવાના સમાચાર મળ્યા હતા.બી.કોમના છઠ્ઠા સેમેસ્ટરનું પેપર લીક થયું હોવાનો દાવો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ યુનિવર્સિટીના સત્તાધીશો હરકતમાં આવ્યા હતા. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે 24 કલાક બાદ કમિટીની રચના કરવામાં આવી હતી. 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં બે ઈસી અને સબરજીસ્ટરનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર જી.એલ.કાકડિયા કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે.
આ મામલે 3 સભ્યોની ટીમ કરશે તપાસ
માર્ચ દરમિયાન અનેક યુનિવર્સિટીમાં પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. ત્યારે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં પણ પરીક્ષા ચાલી રહી હતી. પરંતુ એ બધા વચ્ચે છઠ્ઠા સેમેસ્ટરનું બીકોમ પેપર લીક થયું હતું તેવો દાવો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. પેપર શરૂ થાય તેના થોડા કલાકો પહેલા મોબાઈલમાં આ પેપર વાયરલ થયું હતું તેવો દાવો કરવામાં આવ્યો હતો. સ્ક્રીનશોર્ટના ફોટા તેમણે ટ્વિટ કર્યા હતા. આ મામલે સરકારને પણ રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. અને પેપર કઈ રીતે ફૂટ્યા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ વ્યક્તિના ફોનમાંથી પેપર થયું હતું લીક!
આ મામલે એક સમાચાર મળી રહ્યા છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જી.એલ. કાકડીયા કોમર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપલના ફોનમાંથી પેપરનો ફોટો લીક થયો છે. આ વાત અને આ સમચાર હાલ મળી રહ્યા છે. જે બાદ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસે સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટના સંચાલન હેઠળ ચાલતી જી.એલ.કાકડિયા કોલેજના અમિત ગાલાણીની અટકાયત કરી લીધી છે. ઉપરાંત ભરતનગરના વિદ્યાર્થીઓની પણ અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં પેપર ના ફૂટે તેવી વ્યવસ્થા તેમજ આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ.