ડમી કાંડ મામલામાં પ્રતિદિન નવા વળાંકો આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભાવનગર પોલીસ દ્વારા ડમી કાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. 36 જેટલા લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને આ મામલે આરોપીઓ પણ ઝડપાયા છે. આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે. આ મામલે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ પર નામ છૂપાવવા માટે પૈસા લીધા હોવાના આક્ષેપો પણ લગાડવામાં આવી રહ્યા છે. ત્યારે એસઓજીએ યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે જેને લઈ પોલીસ સમક્ષ યુવરાજસિંહ હાજર થશે.
પોલીસની સમક્ષ હાજર થતાં પહેલા યુવરાજસિંહે કર્યું ટ્વિટ!
ત્યારે ભાવનગર એસઓજીએ આ મામલે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજસિંહને પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા યુવરાજસિંહે એક વીડિયો ટ્વિટ કર્યો છે. તેમણે કટાક્ષ કર્યો છે કે ચાલો અધિકૃત રીતે ઘરે મામાનું તેડું આવી ગયું છે. ભાવેણાના જમાઈની સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે. સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ભલે મને જેલમાં નાખી દો, હું સત્ય સાબિત કરીને બતાવીશ.