ડમી રાઇટર કાંડ મામલે ભાવનગર પોલીસે મોટી કાર્યવાહી કરતા યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યું છે. ભાવનગર SOGએ યુવરાજસિંહને આવતીકાલે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. યુવરાજસિંહને પોલીસ સમક્ષ હાજર થવું પડશે, તેમજ ભાવનગર પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે. ડમી રાઇટર કાંડમાં યુવરાજસિંહ પર નાણાકીય વ્યવહાર કરવાનો આક્ષેપ છે. આ કેસમાં કોણે-કોણે નાણાકીય વ્યવહાર કર્યા છે તેની હાલ તપાસ ચાલી રહી છે.
યુવરાજસિંહને સમન્સ શા માટે?
ડમી રાઇટર કાંડ મામલે બિપિન ત્રિવેદીની એક વ્યક્તિએ એક વીડિયો વાયરલ કરી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે મોટી રકમ લીધી છે. આ ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 55 લાખમાં આ ડીલ થઈ હતી. આ પેમેન્ટ જુદા-જુદા ત્રણ તબક્કામાં થયું હતું. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.' આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા.
ભાવનગર પોલીસની SITએ આરંભી તપાસ
ડમી કાંડમાં તપાસનો રેલો ભાવનગર પહોંચતા ભાવનગર પોલીસે સમગ્ર ડમી કાંડની તપાસ માટે SITની રચના કરી હતી. અલગ અલગ દિશાઓમાં કામ કરી રહી છે. અગાઉ પકડાયેલા ચાર આરોપીઓ બાદ વધુ બે આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. કરાઈમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને અક્ષર બારૈયાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ડમી કાંડ મામલે પોલીસે 36 આરોપી સામે FIR નોંધી છે.