ગુજરાતના બહુચર્ચિત એવા ભાવનગર ડમીકાંડમાં હવે વધુ એક ધરપકડ થઇ છે. ભાવનગર પોલીસે આજે એક મહિલા અને એક સગીરની ધરપકડ કરી છે. ભાવનગર SOGની ટીમે આ કાર્યવાહી કરી છે જેમાં જે મહિલાની ધરપકડ થઇ છે તે તળાજા તાલુકાના સથરા ગામના જીજ્ઞાબેન ધાંધલા છે. અને તે એક સગીર છે. બંનેના નામ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં છે.
સંડોવણી કઈ રીતે સામે આવી?
આખા કાવતરમાં બંનેની સંડોવણી એ પ્રકારની છે કે જીજ્ઞાબેનની જગ્યાએ 2022માં ધોરણ 10ની પરીક્ષા મિલન બારૈયાએ આપી હતી, અને જે એક સગીર પકડાયો છે, તેની ધોરણ-12ની પરીક્ષા પણ મિલન બારૈયાએ આપી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે, અને જેમ જેમ તપાસ વધી રહી છે તેમ તેમ આરોપીઓની સંખ્યા વધતી જાય છે. હવે આરોપીઓની સંખ્યા 60ની આસપાસ પહોંચી છે.
સત્તાના સ્થાને બેસેલા લોકોને સમન્સ ક્યારે ?
આ સમગ્ર ડમીકાંડને ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસે સમન્સ પાઠવ્યું હતું અને તે પછીથી ડમીકાંડના આરોપીઓ પાસેથી ઉમેદવારો પાસેથી તોડ કરવાના આરોપસર જેલમાં છે. જો કે તેમના જામીન અંગેના કોઇ સમાચાર નથી. ત્યારે ભાવનગરની પોલીસને એક સવાલ બિલકુલ કરવો છે કે જ્યારે આ કાંડ ચાલી રહ્યું હતું ત્યારે જે લોકો સત્તાના સ્થાને બેસેલા હતા તેમને ક્યારે સમન્સ પાઠવશો?