લોકસભા ચૂંટણીને લઈ માહોલ ધીરે ધીરે બની રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તો ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી. 15 બેઠકોમાંથી 10 બેઠકો પર ચહેરાને રિપીટ કરવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં બાકીના ઉમેદવારોના નામની જાહેરાત પણ થઈ શકે છે. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. અંબરીષ ડેર ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.
અંબરીશ ડેર ગમે ત્યારે કરી શકે છે કેસરિયો ધારણ!
ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી કારણ કે છેલ્લા ઘણા સમયમાં કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યો, હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. એવી ચર્ચાઓ ક્યારની થતી હતી કે અંબરીષ ડેર ગમે ત્યારે કોંગ્રેસને રામ રામ કહી ભાજપમાં જઈ શકે છે. અનેક વખત સી.આર.પાટીલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે બસની સીટ પર અંબરીશ ડેર માટે રૂમાલ રાખ્યો છે. ત્યારે હવે રાજકીય વર્તુળમાં ચર્ચાઓ થઈ રહી છે કે અંબરીષ ડેર ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે ભાવનગર લોકસભા સીટ માટે ભાજપ કોળી સમાજનો ચહેરો મેદાનમાં ઉતારી શકે છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને ભાવનગર બેઠક માટે ઉમેદવાર તરીકે જ્યારે રાજુલા બેઠક માટે પેટાચૂંટણી યોજાય ત્યારે અંબરીશ ડેર ત્યાંના ઉમેદવાર હોય એવી સંભાવના દેખાઈ રહી છે.
આવનાર દિવસોમાં જોવા મળી શકે છે રાજનીતિના નવા નવા રંગ!
મહત્વનું છે કે જ્યારથી સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા છે ત્યારથી અનેક નેતાઓ, હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા સમય પહેલા હજારો કાર્યકર્તાઓ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા તે વખતે જે દ્રશ્યો જોયા હતા તેની કલ્પના તો કદાચ ભાજપે પોતે પણ નહીં કરી હોય! હજી તો ચૂંટણીનો તો માત્ર શંખનાદ થયો ત્યારે આવનાર દિવસોમાં રાજકારણમાં નવા-નવા ખેલો જોવા મળે તો નવાઈ નહીં.