લોકસભા ચૂંટણી આવતા વર્ષે આવી રહી છે. રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગામડામાં રહેતા લોકો સુધી સરકાર દ્વારા કરવામાં આવેલા કામો પહોંચે તે માટે વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગામડાઓમાં આ રથ પહોંચે છે અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ભાવનગરમાં જ્યારે વિકાસ યાત્રા પહોંચી ત્યારે ખેડૂતોએ આ યાત્રાનો વિરોધ કર્યો હતો. ગળામાં ડુંગળીના હાર પહેર્યો અને રોષ પ્રગટ કર્યો.
ડુંગળીનો હાર પહેરી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ખેડૂતો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર ખેડૂતો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કોઈ ખેડૂતે ડુંગળીમાં બેસીને વિરોધ કર્યો હતો તો કોઈએ રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ કર્યો હતો. આ બધા વચ્ચે ભાવનગરથી એક વીડિયો સામે આવ્યો જેમાં ખેડૂતોએ ડુંગળીનો હાર પહેર્યા છે. વિકાસ યાત્રાનો રથ જ્યારે ત્યાં આવ્યો ત્યારે તેમણે વિરોધ કર્યો હતો. પોલીસે ખેડૂતોની અટકાયત કરી લીધી હતી.
સરકારે શરમ યાત્રા કાઢવી જોઈએ - ખેડૂતો
ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખેડૂતો કરજદાર થઈ રહ્યા છે. પાક સફળ જશે કે નહીં તેની ચિંતા તેમને હંમેશા સતાવતી રહે છે. વરસાદ પર ખેતીનો મૂળભૂત આધાર રહેલો છે. પ્રમાણસર વરસાદ થાય તો જ ખેડૂતોને લાભ થાય કારણ કે કોઈ વખત વરસાદ વધારે થાય છે તો કોઈ વખત કમોસમી વરસાદ પણ આવે છે. ત્યારે ભાવનગરમાં ખેડૂતોએ વિકાસ યાત્રાનો વિરોધ કર્યો હતો. ખેડૂતોએ કહ્યું કે સરકારે વિકાસ યાત્રા નહીં ગામડામાં શરમ યાત્રા કાઢવી જોઈએ.